વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણમાં એન્ટ્રી, પરિવારના 18 લોકોની હત્યા: શેખ હસીનાના યુગનો અંત
Bangladesh PM Sheikh Hasina : અનામત હટાવવાની માંગ સાથે શરુ હિંસક આંદોલનના કારણે બાંગ્લાદેશમાં હવે અત્યંત ગંભીર પરિણામ જોવા મળી રહ્યા છે. બાંગ્લાદેશમાં ઠેર-ઠેર આગચંપી અને હિંસા વચ્ચે અત્યંત ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. હિંસક પ્રદર્શનો વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને સેનાના વિશેષ હેલિકોપ્ટરથી ભારત આવવા માટે રવાના થયા છે. હાલ બાંગ્લાદેશની હિંસા વર્ષ 1975માં થયેલી લોહિયાળ ઘટનાની યાદ અપાવે છે. તે સમયે શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના તત્કાલીન વડાપ્રધાન શેખ મુજીબુર રહમાનની હત્યા કરવામાં આવી હતી અને હસીનાએ ભારતનો આશરો લેવો પડ્યો હતો.
પરિવારના 18 લોકોની હત્યા કરાઈ હતી
શેખ હસીનાનો જન્મ 28 સપ્ટેમ્બર 1947માં ઢાકામાં થયો હતો. તેમના પિતા બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાન હતા. તેમનું પ્રારંભિક જીવન ઢાકામાં પસાર થયું હતું. વિદ્યાર્થી નેતા તરીકે તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ યુનિવર્સિટી ઑફ ઢાકામાં સ્ટુડન્ટ પોલિટિક્સમાં ખૂબ સક્રિય હતા. તે સમય દરમિયાન લોકોથી પ્રશંસા મળ્યા બાદ હસીનાએ તેમના પિતાના પક્ષ આવામી લીગના સ્ટુડન્ટ વિંગની જવાબદારી સંભાળી હતી. આ બાદ તેમના જીવનના ખરાબ તબક્કાની શરુઆત થઈ હતી. વર્ષ 1975માં સેનાએ બાંગ્લાદેશમાં સત્તાપક્ષ વિરૂદ્ધ બળવો કર્યો હતો અને હસીનાના માતા-પિતા અને ત્રણ ભાઈઓ સહિત પરિવારના 18 લોકોની હત્યા કરાઈ હતી. જો કે, બળવા દરમિયાન શેખ હસીના, તેમના પતિ વાજીદ મિયાં અને તેમની નાની બહેનનો જીવ બચી ગયો હતો.
પિતાની હત્યા બાદ ભારતમાં શરણ
પરિવારના સભ્યોની હત્યા બાદ શેખ હસીના થોડાંક સમય માટે જર્મની જતાં રહ્યા હતા. તે સમયે શેખ હસીનાના ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે સારા સંબંધ હતા. હસીનાના મુશ્કેલ સમયમાં ઇન્દિરા ગાંધીએ તેમને ભારતમાં શરણ આપ્યું હતું, ત્યારબાદ તેઓ થોડાંક વર્ષો સુધી દિલ્હીમાં રહ્યા હતા. વર્ષ 1981માં તેઓ પોતાના વતન બાંગ્લાદેશ પરત ફર્યા હતા. જેના પછી તેમણે તેમના પક્ષની જવાબદારી સંભાળી હતી. વર્ષ 1968માં તેમણે ભૌતિક વૈજ્ઞાનિક એમ. એ. વાજીદ સાથે લગ્ન કર્યા હતા. શેખ હસીના અને વાજીદ મિયાંના બે સંતાનો છે જેમાં પુત્ર સજીબ વાજેદ અને પુત્રી સાઇમા વાજેદ છે.
ચાર વાર વડાપ્રધાન બન્યા
શેખ હસીના જાન્યુઆરી 2009થી સતત બાંગ્લાદેશના વડાપ્રધાન હતા. તેમણે વર્ષ 1986થી 1995 સુધી વિપક્ષના નેતા તરીકે પણ કામગીરી કરી હતી. પ્રથમવાર તેઓ વર્ષ 1996માં બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા. તેમના પ્રથમ તબક્કાનો કાર્યકાળ 1996થી 2001 સુધી હતો. આ દરમિયાન તેઓ સ્વતંત્રતા બાદથી પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા પહેલાં વડાપ્રધાન પણ બન્યા હતા. ત્યારબાદ વર્ષ 2009થી સતત ત્રણ તબક્કાથી તેઓ બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે કામ કરી રહ્યા હતા. હવે 5 ઑગસ્ટે તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપતાં સમગ્ર વિશ્વનું ધ્યાન બાંગ્લાદેશ પર કેન્દ્રિત થયું છે.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાનું રાજીનામું, દેખાવકારોની પીએમ હાઉસમાં ઘૂસીને તોડફોડ
શેખ હસીના નામે આટલા ઍવૉર્ડ
શેખ હસીના તેમના રાજકીય કાર્યકાળ દરમિયાન ઘણાં ઍવૉર્ડ તેમના નામે કરી ચૂક્યા છે. વર્ષ 1998માં તેમને મધર ટેરેસા બાય ઓલ ઇન્ડિયા પીસ કાઉન્સિલ ઍવૉર્ડ, 1998માં જ એમ. કે. ગાંધી ઍવૉર્ડથી સન્માનિત કરાયા હતા. ઉપરાંત વર્ષ 2000માં ધ પર્લ બર્ડ ઍવૉર્ડ, 2009માં ઇન્દિરા ગાંધી પ્રાઇઝ, વર્ષ 2014માં યુનેસ્કો શાંતિ વૃક્ષ ઍવૉર્ડ, વર્ષ 2015માં લાઇફટાઇમ અચિવમેન્ટ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.