પાકિસ્તાનમાં રાજકીય નાટકનો અંત, શાહબાઝ શરીફ બીજી વખત બનશે વડાપ્રધાન, ઈમરાનને ઝટકો

નેશનલ એસેમ્બલીના સ્પીકર સરદાર અયાઝ સાદિકે આ અંગેની જાહેરાત કરી હતી

શાહબાઝ શરીફ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ કરશે

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનમાં રાજકીય નાટકનો અંત, શાહબાઝ શરીફ બીજી વખત બનશે વડાપ્રધાન, ઈમરાનને ઝટકો 1 - image


Image Source: Twitter

ઈસ્લામાબાદ, તા. 3 માર્ચ 2024

Shehbaz Sharif : પાકિસ્તાનમાં કેટલાય દિવસોથી ચાલી રહેલા રાજકીય નાટકનો આજે અંત આવ્યો છે. આજે નવા વડાપ્રધાનની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફ પાકિસ્તાનના આગામી વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. નેશનલ એસેમ્બલીના સ્પીકર સરદાર અયાઝ સાદિકે આ અંગેની જાહેરાત કરી હતી કે PML-Nના પ્રમુખ શાહબાઝ શરીફ 201 મતો મેળવીને પાકિસ્તાનના 24મા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે.

શનિવારે વડાપ્રધાન પદ માટેની ઉમેદવારી નોંધાવી હતી

શાહબાઝ શરીફે શનિવારે વડાપ્રધાન પદ માટેની ઉમેદવારી નોંધાવી હતી. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ પાર્ટીએ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને મુત્તાહિદા કોમી મૂવમેન્ટ પાર્ટી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવાની જાહેરાત કરી હતી. શાહબાઝ શરીફને વડાપ્રધાન બનવા માટે 336 સભ્યોવાળી પાકિસ્તાની સેનેટમાં 169 વોટની જરુર હતી જેમાં 201 મત મેળવીને વડાપ્રધાન બન્યા છે. ઉલ્લેખનીય છે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની વિરોધી પાર્ટી પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફ પાસે માત્ર 102 સેનેટર છે.

શાબબાઝ બીજીવાર વડાપ્રધાન બન્યા

શાહબાઝ શરીફ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ કરશે. અગાઉ એપ્રિલ 2022થી ઓગસ્ટ 2023 સુધી તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચુકયા છે. તેમણે તે વખતે પણ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સાથે જોડાણ કરીને સરકાર ચલાવી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન બનવાની આશાએ જ શાહબાઝના મોટાભાઈ નવાઝ શરીફ પાકિસ્તાન પરત ફર્યા હતા. તેમને આશા હતી કે, સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ તેઓ પોતે ફરી વડાપ્રધાન બનશે પણ પાકિસ્તાનની આમ ચૂંટણીમાં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતિ ન મળતા મામલો ગૂચવાયો હતો. ત્યારે હવે ફરી ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે.


Google NewsGoogle News