Get The App

શાહબાઝ શરીફે પાકિસ્તાનના વડાપ્રધાનપદના શપથ લીધા

પાક. નેશનલ એસેમ્બલીમાં શાહબાઝને ૧૭૪ સભ્યોનું સમર્થન મળ્યું

વડાપ્રધાન બન્યા તે જ દિવસે શાહબાઝ સામે ચાલતા મની લોન્ડરિંગ કેસનો ચુકાદો આવવાનો હતો : કોર્ટે ૨૭મી એપ્રિલ સુધી રાહત આપી દીધી

Updated: Apr 11th, 2022


Google News
Google News
શાહબાઝ શરીફે પાકિસ્તાનના વડાપ્રધાનપદના શપથ લીધા 1 - image


પાકિસ્તાન નેશનલ એસેમ્બ્લીના ૧૭૪ સાંસદોએ શાહબાઝ શરીફને વડાપ્રધાનપદ માટે સમર્થન આપ્યું હતું. એ સાથે જ શાહબાઝે પાકિસ્તાનના વડાપ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ પહેલાં શાહબાઝે કાશ્મીર રાગ આલાપ્યો હતો અને કાશ્મીરના લોકોને ડિપ્લોમેટિક સપોર્ટ આપવાનું નિવેદન કર્યું હતું. શાહબાઝે કહ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ કાશ્મીરનો શાંતિપૂર્ણ ઉકેલ આવે તો જ એ શક્ય છે.
ઈમરાન ખાનની સરકારનું પતન થયું તે પછી પાકિસ્તાનના વિપક્ષોએ એકઠા થઈને શાહબાઝ શરીફને વડાપ્રધાનપદ માટે પસંદ કર્યા હતા. શાહબાઝ શરીફ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ છે. ૧૯૯૭માં શાહબાઝ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી બન્યા હતા. ૨૦૦૮માં બીજી વખત અને ૨૦૧૩માં ત્રીજી વખત શાહબાઝ પંજાબના મુખ્યમંત્રી બન્યા હતા. ૨૦૧૮થી શાહબાઝ શરીફ નેશનલ એસેમ્બ્લીમાં વિપક્ષના નેતા હતા.
૭૦ વર્ષીય શાહબાઝ શરીફે પાકિસ્તાનના ૨૩મા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શાહબાઝે વડાપ્રધાન બનતાની સાથે જ કાશ્મીર રાગ આલાપ્યો હતો. શાહબાઝે કહ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે સંબંધો સુધારવા માગે છે, પરંતુ તે માટે કાશ્મીરનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવો જરૃરી છે. કાશ્મીરના લોકો જે ઈચ્છે તે પ્રમાણે શાંતિથી ઉકેલ લાવવાની વાત કરવાની સાથે સાથે તેણે ઉમેર્યું કે ૩૭૦ની કલમ નાબુદ થઈ ત્યારે તત્કાલિન ઈમરાન ખાનની સરકાર કંઈ જ અસરકારક પગલાં  ભરી શકી ન હતી. વડાપ્રધાન બનતાની સાથે જ શાહબાઝે ભારત વિરૃદ્ધ નિવેદનો આપીને તેની ભારત વિરોધી માનસિકતા છતી કરી હતી.
શાહબાઝે ઈમરાન ખાનની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે ઈમરાન ખાન વિદેશી કોન્સપિરસીની વાતો કરે છે તે માત્ર રાજકીય ડ્રામાથી વિશેષ કંઈ નથી. શાહબાઝે તો સંસદીય સત્રને સંબોધતી વખતે ઈમરાન ખાન સામેના વિજયને ખરાબ સામે સારપનો વિજય ગણાવ્યો હતો!
એસેમ્બલીમાં વડાપ્રધાનની પસંદગી થતી હતી ત્યારે સ્પીકરે ગરબડ કરી હતી. સ્પીકર અયાઝ સાદીકે શાહબાઝ શરીફને બદલે નવાઝ શરીફ નામ બોલ્યા હતા. સ્પીકરે વડાપ્રધાનપદે નવાઝ શરીફની પસંદગી કરી લીધી હતી. ભૂલ સમજાતા એ બાબતે સ્પીકરે સભ્યોની માફી માગી હતી અને ભૂલ સુધારી લીધી હતી. વોટિંગ દરમિયાન ઈમરાન ખાનની તહેરિક-એ-ઈન્સાફ પાર્ટીએ બોટકોટ કર્યો હતો. શાહ મહેમૂદ કુરેશીએ એસેમ્બલીમાં પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું.
નવાઝ શરીફની દીકરી અને નવા પાક. પીએમ શાહબાઝની ભત્રીજી મરિયમ શરીફનો આ પાકિસ્તાનના રાજકીય ઘટનાક્રમમાં મહત્વનો રોલ હતો. મરિયમે ટ્વીટ કરીને શાહબાઝ શરીફ વડાપ્રધાન બન્યા તેની જાણકારી આપવાની સાથે સાથે તેને પાકિસ્તાન માટે નવી શરૃઆત ગણાવી હતી.
બીજી તરફ શાહબાઝ શરીફ અને તેના દીકરા સામે ચાલતા મની લોન્ડરિંગના કેસનો ચુકાદો આવવાનો હતો, પરંતુ કેસની મુદ્દત લંબાવીને ૨૭મી એપ્રિલ કરી દેવામાં આવી હતી. ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી સ્પેશિયલ કોર્ટે શાહબાઝની કોર્ટમાં હાજર ન રહેવાની વિનંતીને માન્ય રાખીને ચુકાદાની તારીખ બદલી દીધી હતી.

Tags :