સિડની હાર્બર પાસે સ્વિમિંગ કરી રહેલી યુવતી પર શાર્કનો હુમલો, માંડ માંડ બચાવ થયો
સિડની શહેરનો દરિયા કિનારો મોજ મસ્તીની સાથે સાથે શાર્ક માછલીના હુમલા માટે પણ નામચીન
મહિલા સ્વિમિંગ કરી રહી હતી ત્યારે શાર્ક માછલીએ તેના પગ પર એટેક કર્યો
સિડની,તા.31 જાન્યુઆરી 2024,બુધવાર
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરનો દરિયા કિનારો મોજ મસ્તીની સાથે સાથે શાર્ક માછલીના હુમલા માટે પણ નામચીન છે. અહીંયા છાશવારે શાર્કના હુમલાની ખબરો સામે આવતી રહેતી હોય છે અને તંત્ર દ્વારા સમયાંતરે પર્યટકોને ચેતવણી પણ અપાતી હોય છે. જોકે આ વખતે શાર્ક માછલીએ સિડની હાર્બરમાં મહિલા પર હુમલો કર્યો છે અને આવુ ભૂતકાળમાં આ જગ્યા પર ભાગ્યે જ બન્યુ છે.
20 વર્ષની આ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. મહિલા સિડની હાર્બર પાસે એલિઝાબેથ બેમાં રાત્રે આઠ વાગ્યે સ્વિમિંગ કરી રહી હતી ત્યારે શાર્ક માછલીએ તેના પગ પર એટેક કર્યો હતો. જોકે મહિલા ગમે તેમ કરીને કિનારા સુધી આવવામાં સફળ રહી હતી. મહિલાને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દરિયાઈ પોલીસની એક ટુકડીને આ ઘટના બાદ પેટ્રોલિંગની કામગીરી સોંપવામાં આવી છે.
સિડની પાસેનો દરિયો બુલ શાર્કનુ ઘર મનાય છે. અન્ય શાર્ક માછલી કરતા બુલ શાર્ક આકારમાં તો મોટી હોય જ છે પણ સ્વભાવથી પણ હુમલાખોર હોવાથી સિડનીના દરિયા કિનારાઓ પર શાર્ક હુમલાના બનાવો બનતા હોય છે.