પાકિસ્તાનમાં વડાપ્રધાન નક્કી કરવામાં અનેક ગરબડ-ગોટાળા બાદ આખરે નામ થયું ફાઈનલ!
પીપીપી અને પીએમએલ-એનએ જરૂરી સંખ્યા હાંસલ કરી લીધી : ભુટ્ટો-ઝરદારી
પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોઈને પણ બહુમત ન મળી હતી
Pakistan government deal agreed : પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમત ન મળતા છેલ્લા કેટલાય દિવસોથી સરકાર બનાવવા માટેનું કોકડું ગૂંચવાયું હતું. ત્યારે હવે સૂત્રો પાસેથી મળતા સમાચાર મુજબ નવી ગઠબંધન સરકાર બનાવવા માટે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) વચ્ચે મંગળવારે મોડી રાત્રે સમજૂતી થઈ છે. આ સમજૂતી હેઠળ નવાઝ શરીફની પાર્ટીના વડા શાહબાઝ શરીફ (Shahbaz Sharif) વડાપ્રધાન બનશે જ્યારે બિલાવલ (Bilawal)ના પિતા આસિફ અલી ઝરદારી (Asif Ali Zardari) ફરી એકવાર રાષ્ટ્રપતિ બનશે. મંગળવારે મોડી રાત્રે પાર્ટીના નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી.
શાહબાઝ શરીફે પત્રકાર પરિષદમાં આ વાત કહી હતી
શાહબાઝ શરીફે પત્રકાર પરિષદમાં વાટાઘાટોના સકારાત્મક નિષ્કર્ષ પર પહોંચવા બદલ બંને પક્ષોના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે બંને પક્ષો વચ્ચે એકતા અને સરકાર બનાવવાની તેમની ક્ષમતા પર ભાર મૂક્યો હતો. આ અંગે ભુટ્ટો-ઝરદારીએ કહ્યું હતું કે 'પીપીપી અને પીએમએલ-એનએ જરૂરી સંખ્યા હાંસલ કરી લીધી છે અને હવે અમે સરકાર બનાવવાની સ્થિતિમાં છીએ.' ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan)ની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટી અને સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ (SIC) દ્વારા સમર્થિત ઉમેદવારો ચૂંટણીમાં બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયા બાદ નવી સરકાર બનાવવાની ફોર્મ્યુલા બહાર આવી છે.
સામાન્ચ ચૂંટણીમાં કોઈને પણ બહુમત મળી ન હતી
નોંધનીય છે કે પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોઈને પણ બહુમત ન મળતા સત્તાની વહેંચણીની વ્યવસ્થા પર સર્વસંમતિ સાધવા માટે બંને પક્ષોને સંઘર્ષ કરવો પડ્યો હતો. પીએમએલ-એનને 75 બેઠકો મળી છે, જ્યારે પીપીપી 54 બેઠકો સાથે ત્રીજા ક્રમે છે. મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM-P) તેની 17 બેઠકો સાથે સમર્થન આપવા સંમત છે. આ સાથે જ પાકિસ્તાનમાં ધણા દિવસોની વાતચીત બાદ સરકારની રચનાને લઈને ચિત્ર સ્પષ્ટ થયું હોય તેવું જણાય છે.