ઇરાકમાં અમેરિકન દૂતાવાસ નજીક ભયાનક વિસ્ફોટ, ચારના મોત, IRGSએ હુમલાની જવાબદારી લીધી
આ હુમલાને કારણે એરબિલમાં એર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો
explosions occurred near the US Consulate in Iraq : ઇરાકના એરબિલ (Erbil)માં અમેરિકન દૂતાવાસ (US Consulate) પાસે અનેક વિસ્ફોટ થયા છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGS)એ આ હુમલાની જવાબદારી લીધી છે. IRGSએ કહ્યું હતું કે તેમણે બેલેસ્ટિક મિસાઇલો વડે પ્રદેશના કેટલાક ભાગોમાં જાસૂસી હેડક્વાર્ટર અને ઈરાની વિરોધી આતંકવાદી જૂથોને નિશાન બનાવી રહ્યું છે. સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર આ હુમલામાં ચાર લોકોના મોત થયા છે.
દૂતાવાસની નજીકના આઠ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા
આજે વહેલી સવારે ઇરાકના એરબિલમાં અમેરિકન દૂતાવાસ નજીક એક પછી એક અનેક વિસ્ફોટ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ગઠબંધન સેનાએ ઈરાકના એરબિલ એરપોર્ટ નજીક ત્રણ ડ્રોનને તોડી પાડ્યા હતા. સ્થાનિક સમાચાર એજન્સીએ ઈરાકી સુરક્ષા સ્ત્રોતને ટાંકીને અહેવાલ આપ્યો છે કે એરબિલમાં એર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર વિસ્ફોટ અત્યંત ભયાનક હતો. અમેરિકન દૂતાવાસની નજીકના આઠ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ઇઝરાયલ-હમાસ યુદ્ધની અસર
મીડિયા અહેવાલો અનુસાર, બે અમેરિકન અધિકારીઓએ મીડિયા એજન્સીને જણાવ્યું હતું કે આ હુમલાઓથી અમેરિકન સુવિધાઓને કોઈ અસર થઈ નથી. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને પેલેસ્ટિનિયન ઈસ્લામિક જૂથ હમાસ વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં યુદ્ધ સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાઈ ગયું છે. જેમાં ઈરાનના સહયોગી દેશ લેબનોન, સીરિયા, ઈરાક અને યમન વતી યુદ્ધમાં ઉતરી રહ્યા છે.
ઈઝરાયલ-હમાસ યુદ્ધને 100 દિવસ પૂરાં
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 100 દિવસ પૂરા થઈ ગયા છે, ત્યારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ તરફથી યુદ્ધ સમાપ્ત કરવાના કોઈ સંકેત મળ્યા ન હતા. તેમના વતી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે હમાસનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી આ યુદ્ધ અટકશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ યુદ્ધને કોઈ કોર્ટ રોકી શકે નહીં. હાલમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધનો મામલો ICJમાં ગયો છે.