ઈટાલીમાં સિનિયર સિટિઝન ગેંગની સનસનાટી : પોસ્ટ ઓફિસમાંથી કરોડોની લૂંટ
- 60થી 70 વર્ષની વયના તમામ આરોપીઓની ધરપકડ
- મની હાઈસ્ટ વેબસીરિઝની જેમ જડબેસલાક પ્લાનિંગ કરીને આ વયોવૃદ્ધ લૂંટારાઓએ છેલ્લાં વર્ષોમાં કેટલીય લૂંટને અંજામ આપ્યો
રોમ : ઈટાલીમાં એક વયોવૃદ્ધ તસ્કરી ટોળકી છેલ્લાં કેટલાય સમયથી ઈટાલીમાં લૂંટ ચલાવતી હતી. ક્રાઈમ સીરિઝની જેમ જડબેસલાક પ્લાનિંગ કરીને દરેક વખતે ભાગી છૂટતી આ ગેંગને આખરે પકડી લેવાઈ છે. લૂંટારાની ગેંગના બધા જ સભ્યો ૬૦ વર્ષથી વધુ વયના છે. નિવૃત્ત થવાની ઊંમરે સક્રિય થયેલી આ ગેંગે છેલ્લાં વર્ષોમાં પોલીસને દોડતી કરી હતી.
ઈટાલીમાંથી પોલીસે કેટલીય લૂંટને અંજામ આપનારી એક સશસ્ત્ર ગેંગને ઝડપી લીધી હતી. આ ગેંગની ખાસિયત એ છે કે એમાં કોઈ યુવાન નથી. બધા જ નિવૃત્ત થઈ ગયેલા વૃદ્ધો છે, જેની વય ૬૦ અને ૭૦ની વચ્ચે છે. આ ગેંગ એટલી શાતિર હતી કે અત્યાર સુધી એના સભ્યો પકડાતા ન હતા. સીસીટીવીમાંથી પણ બચી જતા હતા. કેટલાય સમયથી રોમ અને તેની આસપાસના પોસ્ટ ઓફિસમાં ઘૂસીને લૂંટ ચલાવતા હતા.
ગેંગમાં કુલ આઠ સભ્યો છે. ત્રણ માસ્ટર માઈન્ડ છે. આખી લૂંટનું પ્લાનિંગ એ કરે છે. એ સિવાયના ત્રણ સ્પેશિયાલિસ્ટ છે. જરૂર પડયે રિસર્ચ કરવાથી લઈને ટેકનોલોજીનો ઉપયોગ એ કરે છે. એક તાળું તોડનારો આરોપી છે, જેની વય ૬૬ વર્ષ છે. બે ખોદકામ કરે છે. એનું કામ ટનલ બનાવવાનું હોય છે. એ એવી રીતે ટનલ બનાવે કે ઓછામાં ઓછો અવાજ કરીને કામ પાર પડે છે.
કુલ આઠ સભ્યોની આ ગેંગે રોમની પોસ્ટઓફિસો તોડીને કરોડોની લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટ કર્યા પછી એ વયોવૃદ્ધ હોવાનો ફાયદો ઉઠાવીને નાસી જતા હતા. આ ગેંગને જોઈને કોઈને બિલકુલ અંદાજ ન આવે કે આ ખતરનાક લૂંટારા છે. રોમમાં આ ગેંગે છેલ્લી લૂંટ ૧.૭૪ કરોડ રૂપિયાની ચલાવી હતી. એટીએમમાં પૈસા લઈ જતી બખ્તરબંધ જીપને પણ અગાઉ આ ગેંગે નિશાન બનાવી હતી.
આખરે ૧.૩૬ કરોડ રૂપિયાની લૂંટ ચલાવીને રોમની એક પોસ્ટઓફિસમાંથી ભાગવાની ફિરાકમાં હતા ત્યારે પોલીસે એને રંગેહાથ પકડી લીધા હતા. પોલીસને જાણકારી મળી કે આવી કરોડોની બે લૂંટનું પ્લાનિંગ થઈ ચૂક્યું હતું અને આગામી દિવસોમાં એ લૂંટ થવાની હતી. કોર્ટે આ ગેંગના સભ્યોનો ક્રિમિનલ રેકોર્ડ જોઈને ચાર-ચાર વર્ષની સજા ફટકારી છે.