Get The App

શેખ હસીનાને પરત મોકલો : બાંગ્લાદેશ, ભારતની ચૂપકિદી

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
શેખ હસીનાને પરત મોકલો : બાંગ્લાદેશ, ભારતની ચૂપકિદી 1 - image


- હિન્દુઓ પર હુમલા વચ્ચે બાંગ્લાદેશે પૂર્વ પીએમના પ્રત્યાર્પણની સત્તાવાર માગ કરતા સંબંધો વધુ બગડશે

- બાંગ્લાદેશના અધિકારીઓ ભારત સાથે શિપિંગ કરારની સમીક્ષા કરશે જ્યારે વેપારીઓને પાક. પાસેથી માલ ખરીદવા ફરજ પાડે છે 

નવી દિલ્હી : બાંગ્લાદેશે શેખ હસીનાને પરત મોકલવા માટે ભારત સરકારને નોટ મોકલી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે વચગાળાની સરકારે હાંકી કાઢવામાં આવેલા વડાપ્રધાન શેખ હસીનાને ઢાકા પરત મોકલવા માટે ભારતને રાજકીય સંદેશ મોકલ્યો છે. ભારતે તેના અંગે બાંગ્લાદેશને જવાબ આપ્યો છે નો કોમેન્ટ્સ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ જવાબ આપ્યો હતો. 

બાંગ્લાદેશની ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના દિલ્હીમાં કોઈ અજાણ્યા સ્થળે રહે છે. આ વર્ષે પાંચમી ઓગસ્ટના રોજ ભડકેલી હિંસાના પગલે તે દિલ્હીમાં આવી ગઈ હતી.તેને બાંગ્લાદેશના હવાઇદળનું વિમાન જ ગાઝિયાબાદના હિંડન એરબેઝ સુધી છોડી ગયું હતું. તે ત્યારથી ભારતમાં છે. તેણે તાજેતરમાં જ વર્ચ્યુઅલ લીગના માધ્યમથી તેમના પક્ષ અવામી લીગના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. 

શેખ હસીનાની સરકારનો પાંચ ઓગસ્ટના રોજ ૧૬ વર્ષ બાદ તખ્તા પલટ થયો હતો. તેમને ભારત સાથેના સારા સંબંધ, ઉદારવાદી નીતિઓ અને અન્ય રાજકીય પક્ષોની તુલનાએ વધારે બિનસાંપ્રદાયિક નીતિ માટે ઓળખવામાં આવે છે. ઢાકા સ્થિત ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલે શેખ હસીને સામે એરેસ્ટ વોરંટ જારી કર્યુ છે.

આ ઉપરાંત કેટલાય ભૂતપૂર્વ પ્રધાનો, સલાહકારો, લશ્કરી અને ન્યાયિક અધિકારીઓ સામે પણ વોરંટ જારી કરવામાં આવ્યા હતા. ૭૭ વર્ષની શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલવાની માંગ બાંગ્લાદેશ સરકાર ઘણી વખત કરી ચૂકી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે જારી એક નોટમાં જણાવ્યું હતું કે અમે ભારત સરકારને એક ડિપ્લોમેટિક નોટ જારી કરી છે. 

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અમને બાંગ્લાદેશ હાઈ કમિશન તરફથી પ્રત્યાર્પણની વિનંતી કરતી એક મૌખિક નોંધ મળી છે. હાલમાં તો અમે આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી. 

ભારત માટે ચિંતાજનક બાબત એ છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ નજીક આવી રહ્યા છે. બંને વચ્ચેનો દરિયાઈ વેપાર વધુ મજબૂત થઈ રહ્યો છે. આ સપ્તાહમાં પાકિસ્તાનનું બીજું કાર્ગો જહાજ બાંગ્લાદેશમાં લાંગર્યુ હતું. આ જહાજમાં સોડાએશ, ડોલોમાઇટ અને માર્બલ બ્લોક જેવા ઇન્ડસ્ટ્રીયલ મટીરિયલ્સના ૮૧૧ કન્ટેનર હતા. આ ઉપરાંત તૈયાર વસ્ત્રો માટેનો કાચો માલ, સુગર અને ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ હોવાનું જણાવાયું છે. બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન મોહમ્મદ યુનુસ પાક. વડાપ્રધાન શહબાઝ શરીફને ઇજિપ્તના કૈરોમાં મળ્યા હતા, તેના પછીનો આ ઘટનાક્રમ છે. તેમા બંને દેશ એકબીજા વચ્ચે સંબંધ મજબૂત બનાવવા સંમત થયા હતા.

બાંગ્લાદશને વેપારીઓને પાકિસ્તાનથી માલની આયાત કરવાની પરજ પાડવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં શિપિંગ મંત્રાલયના કેટલાક અધિકારીઓ તો ભારત સાથેના શિપિંગ કરારની સમીક્ષા કરવા જણાવી રહ્યા છે. તેમા ચિત્તાગોંગ અને મોંગલા બંદરના ભારતને આપવામાં આવેલા એક્સેસનો સમાવેશ થાય છે.શેખ હસીના ભારત તરફી વલણ ધરાવતા હતા તો મોહમ્મદ યુનુસ ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી વલણ ધરાવે છે.

ત્રિપુરાના બાંગ્લાદેશ પાસેથી 200 કરોડ લેવાના બાકી

ભારતના ત્રિપુરા રાજ્યના બાંગ્લાદેશ પાસેથી ૨૦૦ કરોડ રુપિયા લેવાના નીકળે છે, એમ ત્રિપુરાના મુખ્યપ્રધાન માણિક સાહાએ જણાવ્યું હતું. બાંગ્લાદેશે આ રકમ તો ચૂકવી નથી અને તેનું વીજળીનું બિલ દૈનિક ધોરણે વધી રહ્યું છે.

 તેમણે જણાવ્યું હતું કે અમને આશા છે કે બાંગ્લાદેશ આ બાકી નીકળતી રકમ પૂરી કરશે, જેથી વીજ પુરવઠો વણથંભ્યો ચાલુ રહે. પણ બાંગ્લાદેશ આ રકમ ન ચૂકવે તો અમે ક્યાં સુધી તેને વીજ પુરવઠો ચાલુ રાખીશું તે અંગે હાલમાં કશું કહી શકાય નહીં. ત્રિપુરા બાંગ્લાદેશને ૨૦૧૬થી વીજપુરવઠો પૂરો પાડી રહ્યું છે. ત્રિપુરા ઉપરાંત અદાણી પાવર પણ બાંગ્લાદેશને વીજપુરવઠો પૂરો પાડી રહ્યુ છે. તેણે ૮૦ કરોડ ડોલર લેણા બાકી નીકળતા હોવાના પગલે બાંગ્લાદેશને આપવામાં આવતા વીજપુરવઠામાં ૫૨૦ મેગાવોટનો ઘટાડો કર્યો છે.

ભારતે 3,500 બાંગ્લાદેશીઓ ગુમ કર્યા : યુનુસ સરકારનો આરોપ

મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારના સત્તાના સૂત્રો સંભાળતાની સાથે જ બાંગ્લાદેશ ભારત પર સતત નીતનવા આરોપ મૂકી રહ્યુ છે. બાંગ્લાદેશના એક તપાસ પંચે હવે તેમના દેશમાં લોકોના ગાયબ થવાના કેસમાં ભારતનો હાથ હોવાની શંકા જાહેર કરી છે. આ પંચની રચના મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે જ કરી હતી. હવે તપાસ પંચે દાવો કર્યો છે કે બાંગ્લાદેશના હાંકી કાઢવામાં આવેલા વડાપ્રધાન શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન દેશમાં ગુમ થયેલા લોકાને લગતી બાબતોમાં ભારતની સંડોવણી હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લાંબા સમયથી તનાવ જારી છે અને હવે તનાવ હજી પણ વધી શકે છે. મોહમ્મદ યુનુસના તપાસ પંચે પોતાના રિપોર્ટમા ૩,૫૦૦થી વધુ લોકોના ગુમ થવાનું અનુમાન લગાવ્યું છે. આ પંચનું કહેવું છે કે કાયદાકીય એજન્સીઓનું કહેવું છે કે કેટલાય ગુમ થયેલા બાંગ્લાદેશીઓ ભારતની જેલોમાં હોય તેવી સંભાવના છે. પંચે આ ઉપરાંત શેખ હસીનાના સંરક્ષણ સલાહકાર, રિટાયર મેજર જનરલ તારિક મહમદ, સિદ્દિકીની સાથે બે અન્ય પોલીસ અધિકારીઆ તથા બીજા કેટલાય અધિકારીઓ સામેલ હોવાનું જણાવ્યું છે.


Google NewsGoogle News