VIDEO | મહિલાને ડૂબતી જોઈ લાઈવ રિપોર્ટિંગ છોડી પાણીમાં કૂદ્યો પત્રકાર, ચારેકોરથી પ્રશંસા થઈ
Image Source: Twitter
Viral Video : અમેરિકામાં હેલેન વાવાઝોડાએ ભારે કેર વર્તાવ્યો છે. કેટેગરી-4નું શક્તિશાળી વાવાઝોડુ હેલેને શુક્રવારે સવારે અમેરિકાની દક્ષિણે ફ્લોરિડાના દરિયા કિનારે ત્રાટક્યું હતું. વાવાઝોડાના કારણે અમેરિકાના દક્ષિણ-પૂર્વમાં 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અમેરિકામાં આ વર્ષે આવેલા સૌથી મોટા તોફાનોમાં હેલેનનો સમાવેશ થાય છે. આ વાવાઝોડાના કારણે 1,000 ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી જ્યારે 1.20 કરોડ લોકો તેનાથી પ્રભાવિત થયા હતા. આ વચ્ચે એક પત્રકારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે.
હેલેન વાવાઝોડાના કારણે અમેરિકાના અનેક રાજ્યો ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં રિપોર્ટિંગ કરી રહેલા એક પત્રકાર લાઈવ રિપોર્ટિંગ છોડી મહિલાને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યો. ઘટના એવી છે કે, એક મહિલા પાણીમાં ફસાઈ ગઈ હતી અને તે મદદ માગી રહી હતી. પત્રકારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ પત્રકારની ચારેકોરથી પ્રશંસા થઈ રહી છે.
શું છે સમગ્ર મામલો?
પત્રકાર બોબ વેન ડિલન એટલાન્ટામાં હેલેન વાવાઝોડાનું લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યો હતો. તે લાઈવ રિપોર્ટિંગમાં બતાવી રહ્યો હતો કે, કેવી રીતે એક મહિલા પોતાની કાર સાથે પણીમાં ફસાઈ ગઈ છે અને મદદ માટે બૂમો પાડી રહી છે. મહિલાનો અવાજ સાંભળીને તેમણે કહ્યું કે, થોડી જ વારમાં તમારી પાસે મદદ પહોંચી જશે. જોકે, મહિલા સતત ચીસો પાડતી રહી. ત્યારબાદ પત્રકારે લાઈવ રિપોર્ટિંગ થોડા સમય માટે છોડી દીધું અને તે મહિલાને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યો.
પત્રકારે લાઈવ રિપોર્ટિંગ દરમિયાન કંટ્રોલ રૂમમાં કહ્યું કે, અમે થોડી વારમાં તમારો સંપર્ક કરીશું. હું એ મહિલાની મદદ કરવાનો પ્રયાસ કરું છું. ત્યારબાદ તે પાણીમાં ઉતરે છે અને પોતાની પીઠ પર બેસાડીને બહાર લાવે છે અને સુરક્ષિત સ્થાન પર લઈ જાય છે.
પત્રકારે બાદમાં જણાવ્યું કે, જ્યારે મેં મહિલાને જોખમમાં જોઈ તો હું રેસ્ક્યુ ટીમના આવવાની રાહ ન જોઈ શક્યો. મને ખબર છે કે તમામ લોકો મદદ માટે કોલ કરી રહ્યા છે. 911 પર કોલ કર્યો હતો પરંતુ તેઓ માત્ર ટાઈમ આપી રહ્યા હતા. મહિલાના અવાજને લાઈવ શોટ દ્વારા સંભળાવવામાં આવી રહ્યો હતો. ત્યારબાદ છાતી સુધીના પાણીમાં ડૂબીને મેં મહિલાને બહાર કાઢી. મહિલા ખૂબ જ ડરી ગઈ હતી અને તે ધ્રુજી રહી હતી.
ચારેકોરથી પ્રશંસા થઈ
હવે સોશિયલ મીડિયા પર આ પત્રકારનો વીડિયો વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. ચારેકોરથી તેમની પ્રશંસા થઈ રહી છે. એક યુઝરે લખ્યું કે, મુશ્કેલીના સમયમાં આપણે બધુ ભૂલીને માત્ર મદદ કરવી જોઈએ. વેન ડિલને જે કાર્ય કર્યું તેની પ્રશંસા થવી જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું કે, મહિલાનો જીવ બચાવવા માટે તમારો આભાર વેન ડિલેન.