VIDEO: ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક, મીડિયા ગેલેરીમાં ઘૂસ્યો શખ્સ, સુરક્ષકર્મીઓ દોડ્યા
Security Breach Again At Donald Trump Rally: અમેરિકાના પેન્સિલવેનિયામાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફરી એક વખત સૂરક્ષામાં ચૂક જોવા મળી છે. પેન્સિલવેનિયાના જોનસ્ટાઉનમાં પૂર્વ અમેરિકન પ્રમુખ ટ્રમ્પની રેલીમાં શુક્રવારે એક અજ્ઞાત વ્યક્તિ મીડિયા ગેલેરીમાં પ્રવેશ્યા બાદ મોટી સૂરક્ષા ચૂક જોવા મળી હતી. જો કે, તે વ્યક્તિને તરત જ પોલીસે ઘેરી લીધો અને ટેઝર દ્વારા તેને કાબુમાં કરી લીધો હતો.
આ ઘટના પેન્સિલવેનિયાના બટલરમાં એક રેલી દરમિયાન ટ્રમ્પની હત્યાના પ્રયાસના થોડા અઠવાડિયા બાદ જ બની છે. અગાઉની ઘટનામાં ટ્રમ્પના કાનની નજીકથી એક ગોળી નીકળી ગઈ હતી, જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયુ હતું. જેના પગલે યુએસ પ્રમુખપદની ચૂંટણી પહેલા રાજકીય કાર્યક્રમોમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.
શું-શું થયું રેલીમાં
શુક્રવારે પેન્સિલવેનિયામાં ટ્રમ્પની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક વ્યક્તિ મીડિયા વિસ્તારની આસપાસના સાયકલ રેકના ઉપરથી પર કૂદી ગયો અને સ્ટેજ પર ચઢવા લાગ્યો જ્યાં ટેલિવિઝન રિપોર્ટર્સ અને કેમેરા હતા. તેની નજીક હાજર લોકોએ તેને નીચે ખેંચવાનો પ્રયાસ કર્યો અને થોડી જ વારમાં પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા. તેને તરત જ નીચે ઉતારવામાં આવ્યો અને ટેઝર દ્વારા તેને કાબુમાં કરવામાં આવ્યો અને પછી તેને બહાર લઈ જવામાં આવ્યો.
મામલાની તપાસ હાથ ધરાઈ
થોડી મિનિટો બાદ જ ભીડમાં હાજર રહેલા એક અન્ય વ્યક્તિને હાથકડી લગાવવામાં આવી અને તેને કાર્યક્રમ દરમિયાન મેદાનમાંથી બહાર લઈ જવામાં આવ્યો, જેને મોમ્સ ફોર લિબર્ટી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જો કે, એ સ્પષ્ટ નથી કે આ પ્રારંભિક સુરક્ષા ભંગની ઘટના સાથે સંબંધિત છે કે નહીં.