ઈઝરાયેલની મદદ માટે બીજુ એરક્રાફ્ટ કેરિયર પણ મિડલ ઈસ્ટમાં મોકલવા માટે અમેરિકાની વિચારણા

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
ઈઝરાયેલની મદદ માટે બીજુ એરક્રાફ્ટ કેરિયર પણ મિડલ ઈસ્ટમાં મોકલવા માટે અમેરિકાની વિચારણા 1 - image

image : twitter

વોશિંગ્ટન,તા.12 ઓક્ટોબર 2023,ગુરૂવાર

અમેરિકન નૌસેનાએ ઈઝરાયેલના સમર્થનમાં પોતાનુ બીજુ વિનાશક એરક્રાફ્ટ કેરિયર યુએસએસ આઈઝનહોવર પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં મોકલી આપ્યુ છે. આ પહેલા અમેરિકન નૌસેનાનુ સૌથી મોટુ એરક્રાફ્ટ કેરિયર યુએસએસ ફોર્ડ તો આ વિસ્તારમાં પહોંચીને પેટ્રોલિંગ કરી જ રહ્યુ છે. 

અમેરિકન નેવીનુ કહેવુ છે કે, યુએસએસ આઈઝનહોવર ભૂમધ્ય સમુદ્રમાં થઈને મિડલ ઈસ્ટ વિસ્તારમાં પહોંચશે તે ઘણા મહિનાઓ પહેલા જ નક્કી હતુ પણ હવે એવી વિચારણા થઈ રહી છે કે, યુએસએસ આઈઝનહોવર પણ યુએસએસ ફોર્ડ સાથે સંયુક્ત રીતે આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવે. 

નૌસેનાના અધિકારીનુ કહેવુ છે કે, આ બંને વિમાન વાહક જહાજોનો કાફલો જોઈને ઈઝરાયેલ વિરોધી કોઈ દેશ જો હાલની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવા માંગતો હોય તો બે વખત વિચાર કરશે. 

જો આ બંને કેરિયર એક સાથે તૈનાત થયા તો તે માર્ચ 2020 પછી પહેલી વખત હશે. આ પહેલા ઈરાકમાં એક અમેરિકન બેઝ પર થયેલા રોકેટ એટેક વખતે અમેરિકાએ પોતાના બે કેરિયરને મિડલ ઈસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે મોકલ્યા હતા. 

યુએસએસ આઈઝનહોવર અમેરિકન નેવીમાં 1977માં સામેલ થયુ  હતુ. 1990ના ગલ્ફ વોરમાં તેમજ ઈરાક અને અફઘાનિસ્તાન વોરમાં પણ આ કેરિયરનો ઉપયોગ અમેરિકાએ કર્યો હતો. 


Google NewsGoogle News