ઝેલેન્સ્કીએ બોલાવેલી બીજી શાંતિ પરિષદ : ભારતને વિશેષ આમંત્રણ
- રશિયા-યુક્રેન યુદ્ધ ખત્મ થવાની તૈયારીમાં
- ઝેલેન્સ્કીએ કહ્યું : જો ઇમાનદારી પૂર્વક યુદ્ધ બંધ કરવું હોય તો, બીજી શાંતિ પરિષદ અનિવાર્ય છે : ચીન, બ્રાઝિલ સહિત ઘણા દેશોને આમંત્રણ
ન્યૂયોર્ક : યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, જો આપણે ઇમાનદારી પૂર્વક યુદ્ધ બંધ કરવું જ હોય તો, વહેલામાં વહેલી તકે બીજી શાંતિ પરિષદ બોલાવવી જોઈએ. આ સાથે તેઓએ કહ્યું કે તે માટે ભારતને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. સૌથી પહેલા ભારતને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ રીતે યુક્રેન હવે રશિયા સાથેનું યુદ્ધ બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે.
યુક્રેનની સલામતી સમિતિને સંબોધન કરતાં, ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, ભારતને સવિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.
યુએન મહાસભાને સંબોધન કરવા ઝેલેન્સ્કી અને નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક પહોંચ્યા છે. અહીં તેઓની વચ્ચે વધુ એક વખત મુલાકાત થઈ હતી. છેલ્લા ત્રણ મહિનામાં બંને નેતાઓ વચ્ચે આ ત્રીજી મુલાકાત યોજાઈ હતી.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને પુતિન સાથે પણ ગાઢ મૈત્રી છે, તે બરોબર જાણતા હોવા છતાં ઝેલેન્સ્કીએ સૌથી પહેલા તે ભાવિ શાંતિ પરિષદમાં ઉપસ્થિત રહેવા સવિશેષ આમંત્રણ આવ્યું, તે નરેન્દ્ર મોદીની તટસ્થતા ઉપરનો ઝેલેન્સ્કીનો વિશ્વાસ દર્શાવે છે.
યુક્રેનના પ્રમુખે સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિને કરેલા આ સંબોધનમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધ પૂર્ણત: બંધ કરવું જ હોય તો, આપણે બીજી શાંતિ પરિષદ માટે તૈયાર રહેવું જ પડશે. ભારત અને અન્ય દેશોને શાંતિ પરિષદમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
મંગળવારે સુરક્ષા પરિષદને સંબોધન કરતાં ઝેલેન્સ્કીએ કહ્યું કે, આપણે બધા જ જાણીએ છીએ કે, આ યુદ્ધ બંધ કરવા માટે જરૂરી શું છે ?
મહત્વની વાત તે છે કે વિશ્વને વિવિધ અને નવા નવા જૂથોમાં વિભાજિત કર્યા સિવાય સૌએ એક સાથે મળી કામ કરવું જોઈએ. તેમ ઝેલેન્સ્કીએ યુએનની સલામતી સમિતિમાં સ્પષ્ટ રીતે કહ્યું હતું.