ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ડોકયુમેન્ટરી 'રશિયન્સ એટ વૉર'નું સ્કિનિંગ કેમ કેન્સલ કરાયું ?
ફિલ્મ યુક્રેન પર આક્રમણ કરનારી રશિયન બટાલિયન પર આધારિત છે
આયોજકોએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્ક્રિમિંગ કરવાનું ટાળ્યું હતું
ટોરેન્ટો,૧૩ સપ્ટેમ્બર,૨૦૨૪,શુક્રવાર
ઉત્તર અમેરિકાના સૌથી મોટા ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રશિયન્સ એટ વૉરનું સ્કિનિંગ રદ્દ કરવામાં આવ્યું છે. અનાસ્તાસિયા ટ્રોફિમોવા દ્વારા નિર્દેશિત ફિલ્મ ૨૦૨૨માં યુક્રેન પર આક્રમણ કર્યુ તે દરમિયાનની રશિયન બટાલિયન પર આધારિત છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેની રાજનીતિજ્ઞો અને યુક્રેની સમુદાય દ્વારા ફિલ્મના સ્ક્રિનિંગનો પહેલાથી જ વિરોધ કરવામાં આવ્યો હતો. કેનેડા યુક્રેની સમુદાયના લોકો મોટા પ્રમાણમાં રહે છે આથી આયોજકોએ સ્કિનિંગ કરીને કોઇ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળ્યું હતું.
નવાઇની વાત તો એ છે કે ટોરેન્ટો ફિલ્મ મહોત્સવમાં વિરોધ આગળ ઝુકવામાં નહી આવે એવી આયોજકોની સ્પષ્ટતા પછી યુ ટર્ન લેવાની ફરજ પડી છે. ફિલ્મના ટીકાકારોનું કહેવું છે કે પૂર્વી યુક્રેનમાં રશિયન બટાલિયન સાથે રહયા તે દરમિયાન આનાસ્તાસિયા ટ્રોફિમોવા દ્વારા શૂટ કરવામાં આવી હતી. આ ફિલ્મ એક એવી સેનાનું માનવીય ચિત્રણ કરે છે જેના પર યુદ્ધ અપરાધોનો આરોપ લાગેલો છે. આથી આ ફિલ્મને ક્રેમલિનના પ્રચાર તરીકે જોવામાં આવી હતી.
રશિયન કેનેડિયન સુ શ્રી ટ્રોફિમોવાએ સ્પષ્ટતા કરી હતી કે ફિલ્મ તૈયાર કરવા માટે રશિયન અધિકારીઓની અનુમતિ પણ લેવામાં આવી ન હતી. પોતાની જાતને ખૂબજ જોખમમાં નાખીને એક યુદ્ધ વિરોધી ફિલ્મ તૈયાર કરી હતી. તે સ્પષ્ટ રીતે માને છે કે યુક્રેન પર રશિયાએ કરેલું આક્રમણ અયોગ્ય છે. જે પણ લોકો ડોક્યુમેન્ટરીની ટીકા કરી રહયા છે તેમણે તેઓ બેજવાબદાર અને બેઇમાન છે.
ફિલ્મના નિર્માતાઓ ફિલ્મ ફેસ્ટિવલના આયોજકના આ નિર્ણયને હ્વદય તોડનારો ગણાવ્યો હતો. જો કે ટીકાકારો ટ્રોફિમોવાની એ વાત માનવા તૈયાર નથી કે ફિલ્મનું નિર્માણ રશિયન સરકારની અનુમતિ વગર થઇ છે રશિયામાં આ શકય જ નથી.