અજીબોગરીબ: વિજ્ઞાનીઓને પગ દ્વારા શ્વાસ લેતા સમુદ્ર કરોળિયાની નવી પ્રજાતિ મળી
Image Source: Freepik
એન્ટાર્કટિકા, તા. 17 ડિસેમ્બર 2023 રવિવાર
કરોળિયો લગભગ બધાના ઘરમાં જોવા મળે છે. જો તમે તમારુ ઘર એક-બે મહિના માટે બંધ કરી દો તો તેમાં કરોળિયાના જાળા થઈ જશે. તેથી લોકો પોતાના ઘરને હંમેશા સાફ કરતા રહે છે. સમગ્ર દુનિયામાં કરોળિયાની હજારો પ્રજાતિઓ હોય છે. જોકે આમાંથી અમુક ખૂબ ખતરનાક પણ હોય છે. એટલી ખતરનાક કે જો તે માણસને કરડી જાય અને તેને સમયસર સારવાર ન મળે તો તેનો જીવ પણ જઈ શકે છે. સમુદ્રમાં પણ કરોળિયા હોય છે. વૈજ્ઞાનિકોને હવે સમુદ્રી કરોળિયાની એક નવી પ્રજાતિ મળી છે. આ કરોળિયામાં ભોજનની એક અનોખી ટેવ જોવા મળી છે. તે જમવા માટે પોતાના મોઢાનો નહીં પરંતુ સ્ટ્રો જેવી સૂંઢનો ઉપયોગ કરે છે. સૌથી અનોખી બાબત એ છે કે આ કરોળિયો પોતાના પગથી શ્વાસ લે છે.
કરોળિયાની ચાર આંખો છે
રિપોર્ટ અનુસાર આ સમુદ્રી કરોળિયો દેખાવમાં બોક્સિંગ ગ્લવ્સ જેવો દેખાય છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યુ કે પીળા રંગનો આ કરોળિયો એન્ટાર્કટિકા મહાસાગરમાં મળ્યો હતો, જેની ચાર આંખો હતી. જે કાળો અને ડરામણો હતો અને તેના પંજા પણ મોટા હતા. આ કરોળિયાને ઓસ્ટ્રોપેલીન હેલેનિચી નામ આપવામાં આવ્યુ છે. આને હોર્સશૂ ક્રેબ એટલે કે કરચલાં અને અરચિન્ડનો દૂરનો સંબંધી માનવામાં આવે છે.
આ કરોળિયો કેટલો મોટો છે
વૈજ્ઞાનિકોએ જણાવ્યુ કે આ અજીબોગરીબ કરોળિયો સમુદ્રના તળિયેથી લગભગ 1,870 ફૂટ (570 મીટર) નીચે મળ્યો છે. તેનું શરીર લગભગ 0.4 ઈંચ (1 સેન્ટિમીટર) લાંબુ છે જ્યારે તેના પગ લગભગ 1.2 ઈંચ (3 સેન્ટિમીટર) લાંબા છે.