VIDEO:પાકિસ્તાનમાં ભયંકર વિસ્ફોટ, પાંચ વિદ્યાર્થી સહિત સાતના મોત, 22ને ઈજા, અનેક વાહનોને નુકસાન
Bomb blast in Pakistan: પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં શુક્રવારે એક રિમોટ સંચાલિત બોમ્બનો ભયંકર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટને રિમોટ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. વિસ્ફોટમાં સ્કૂલના પાંચ બાળકો સહિત એક પોલીસકર્મી આશરે સાત લોકોના મોત થયા હતા.
સવારે 8.35 વાગ્યે થયો હતો વિસ્ફોટ
મીડિયાના અહેવાલ પ્રમાણે પ્રાંતના મસ્તુંગ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ ચોક પાસે એક સ્કૂલ પાસે સવારે 8.35 વાગ્યે ભયંકર વિસ્ફોટ થયો હતો. કલાત ડિવિઝનના કમિશનર નઈમ બઝાઈને ટાંકતાં અહેવાલમાં જણાવ્યું હતું કે, એવું લાગે છે કે એક મોટરસાઈકલ પર આઈઈડી (ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ) મૂકવામાં આવ્યું હતું. આ વિસ્ફોટ પોલીસના મોબાઈલ વાહન પાસે જ થયો હતો.
પોલીસના વાહનો અને અનેક ઓટો-રિક્ષાઓને નુકસાન
બઝાઈએ કહ્યું કે, આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાં 5 સ્કૂલના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. માહિતી પ્રમાણે આ હુમલામાં લગભગ 22 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોમાં મોટાભાગના સ્કૂલના બાળકો છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટમાં એક પોલીસ વાહન અને અનેક ઓટો-રિક્ષાને પણ નુકસાન થયું હતું.
આ પણ વાંચો : સ્પેનમાં 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો: 8 કલાકમાં 1 વર્ષનો વરસાદ વરસ્યો, 150 લોકોના મોત
હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી
પ્રાંતીય આરોગ્ય વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ બાદ ક્વેટાની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. તમામ ડોક્ટરો, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફને તાત્કાલિક હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા છે.