ફ્રાન્સમાં આલ્પ્સનું હિમસરોવર ફાટતાં કેદારનાથ પૂર જેવી તારાજીના દ્વશ્યો સર્જાયા, 3 નદીઓમાં પૂર આવતાં તબાહી
Flood: ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડમાં આવેલા આલ્પ્સના પહાડોમાં આવેલું એક હિમસરોવર ફાટતાં આ બંને દેશની ત્રણ નદીઓમાં અચાનક પૂર આવતાં મોટી તબાહી સર્જાઈ હતી. ફ્રાન્સનું લા બેરાર્ડે ગામ આ પૂરમાં સંપૂર્ણપણે નાશ પામ્યું હતું તો સ્વિટ્ઝરલેન્ડના જરમેટ ગામ પણ પાણીમાં ડૂબી ગયું છે. આ ઘટનાનો વિડિયો વાઈરલ થયો હતો. થોડા વર્ષ અગાઉ ભારતમાં પણ આ પ્રકારનું અચાનક પૂર કેદારનાથમાં આવતાં મોટી તબાહી સર્જાઈ હતી.
ફ્રાન્સના સ્કી રિસોર્ટ તરીકે વિખ્યાત લા બેરાર્ડેના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં હિમસરોવર પર બનેલી દિવાલ તૂટી જતાં આ પાણી એકદમ નીચે ધસી ગયા હતા. બરફના મોટાં ટુકડા અને મલબો વહીને ઝડપથી હેઠવાસમાં આવેલાં ગામોમાં ફરી વળ્યો હતો.
આ પૂરમાં લા બેરાર્ડેએ દુનિયા સાથે સાંકળતો એકમાત્ર પુલ ઈન્ટેનકોન્સ ટોરેન્ટ પણ તુટી પડ્યો હતો. જોકે સ્થાનિકો અને પર્યટકોને સહીસલામત બચાવી લેવામાં આવ્યાં હોવાથી કોઈ જાનહાનિના સમાચાર નથી. ઈમરજન્સી સેવાઓ દ્વારા હેલિકોપ્ટર દ્વારા આ વિસ્તારમાં ફસાયેલાં લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
લા બેરાર્ડે ગામની ઉપરવાસમાં આલ્પ્સના પહાડોમાં બોનપિયરે નામની હિમશીલા આવેલી છે. 8530 ફૂટની ઉંચાઈએ આવેલી આ હિમશીલામાં વરસાદ અને બરફવર્ષાને કારણે સુપ્રાગ્લેશિયલ સરોવર બન્યું હતું.
આ સરોવર 40 કલાક પહેલાં જ બન્યું હતું. જેની દિવાલ તુટી જવાથી બેરાર્ડેમાં તારાજી સર્જાઈ હતી. બેરાર્ડેથી 135 કિમી દૂર સ્વિટ્ઝરલેન્ડમાં જરમેટ ગામમાં પણ મેટરવિસ્પા નદીમાં પણ ફલેશ પૂર આવ્યું હતું. જેના કારણે નદી બે કાંઠા તોડી ગાંડીતૂર થઈને વહેતાં ચારેતરફ પાણી ફરી વળ્યા હતા. જેના કારણે જરમેટમાં તમામ પ્રકારનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.