સાઉદી સહિતના દેશો પાકિસ્તાનના ભિખારીઓથી ત્રસ્ત, છેવટે ટુરિસ્ટ વિઝા માટે લાગુ કર્યા આકરા નિયમો
Image: FreePik, Representative Photo |
FIA to act against Pakistan beggars: આંતકવાદ, દેવાના બોજા હેઠળ દબાયેલું પાકિસ્તાન ભિખારીઓ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે શરમસાર થયું છે. મધ્ય-પૂર્વ દેશમાં પાકિસ્તાનથી ભિખારીઓ આવી રહ્યા હોવાની અનેક ફરિયાદો બાદ હવે તેણે પાકિસ્તાનીઓને વિઝા આપવાનું બંધ કર્યું છે.
મધ્ય પૂર્વીય દેશોમાં જઈ ભીખ માગી રહ્યા છે
પાકિસ્તાનની ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, તેઓએ વિદેશ જઈ ભીખ માગવાનો ટ્રેન્ડ અટકાવવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે. એરપોર્ટ પર ઈમિગ્રેશન સ્ટાફે છેલ્લા થોડા મહિનામાં કેટલાક મુસાફરોને વિદેશ જઈ ભીખ માગવાની શંકા સાથે ફ્લાઈટમાંથી ઉતાર્યા છે. આ ભિખારીઓ સઉદી અરબ, યુએઈ, ઈરાક, ઈરાન, ઓમાન અને તુર્કી પર્યટકોના વેશમાં પ્રવેશે છે અને ત્યાં જઈ ભીખ માગી રહ્યા છે.
વિદેશમાં ધરપકડ થયેલ 90 ટકા ભિખારીઓના મૂળ પાકિસ્તાનમાં
વિદેશમાં પાકિસ્તાની ભિખારીઓની સંખ્યા સતત વધી રહી છે. ટોચના અધિકારીએ પ્રવાસી પાકિસ્તાનીઓ પર સિનેટની સ્થાયી સમિતિને જણાવ્યું હતું કે, વિદેશોમાં ધરપકડ કરવામાં આવેલા ભિખારીઓમાં 90 ટકા પાકિસ્તાની મૂળના છે.
44000 લોકોને ફ્લાઈટમાંથી ઉતાર્યા
આ વર્ષની શરૂઆતથી અત્યારસુધીમાં મધ્ય-પૂર્વીય દેશોમાં જઈ ભીખ માગવાની આશંકાએ પાકિસ્તાને 44000 લોકોને ફ્લાઈટમાંથી ઉતારી દીધા છે. પાકિસ્તાનના દક્ષિણ પંજાબ જિલ્લામાંથી લોકો વિદેશ પ્રવાસના બહાને ધાર્મિક પર્યટકના રૂપે મધ્ય-પૂર્વીય દેશોમાં જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
એરપોર્ટ પર કડક તપાસ
એફઆઈએ ગુજરાંવાલા ક્ષેત્રના ડાયરેક્ટર કાદિર કમરે જણાવ્યું હતું કે, એરપોર્ટ પર કર્મચારીઓ ટ્રાવેલ સંબંધિત તમામ ડોક્યુમેન્ટ્સની ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છે. તેમજ નકલી કે શંકાશીલ ડોક્યુમેન્ટ્સ જણાય તો તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી રહ્યા છે.
યુએઈએ પાકિસ્તાનીઓના વિઝા રદ કર્યા
ટ્રાવેલ એજન્ટ્સ અનુસાર, યુએઈના અધિકારીઓ મોટાભાગે પાકિસ્તાનીઓના વિઝા મંજૂર કરી રહ્યા નથી. જેમના બેન્ક એકાઉન્ટ્સમાં પર્યાપ્ત બેલેન્સ ન હોય તો તેમના વિઝા તુરંત રિજેક્ટ કરે છે. બીજી બાજુ પાકિસ્તાન માટે વિઝા સિસ્ટમને આકરી બનાવી છે. એફઆઈએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ દેશોના સંભવિત ભિખારીઓ, ગુનેગારો અને ગેરકાયદે પ્રવાસીઓને રોકવા માટે પાકિસ્તાની અધિકારીઓ પર પ્રેશર કરવાના બદલે પોતાની વિઝા પ્રોસેસિંગ સિસ્ટમ પર ફોકસ કરવુ જોઈએ.