સાઉદીએ અમેરિકા સાથે પેટ્રોડોલર કરાર ખતમ કર્યો

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
સાઉદીએ અમેરિકા સાથે પેટ્રોડોલર કરાર ખતમ કર્યો 1 - image


- ઐતિહાસિક કરાર રદ થતાં 'અંકલ સેમ'ના સાઉદી અરબ સાથેના 80 વર્ષ જૂના સંબંધોને આંચકો

- ક્રૂડ ઓઈલના વેપાર માટે બેઝ તરીકે યુએસ ડોલરનું સ્થાન બદલાતા વૈશ્વિક અર્થતંત્ર પર લાંબાગાળાની અસરો સર્જાશે

- સાઉદી અરબ હવે યુઆન, રૂબલ, રૂપિયા, યેન સહિતના વિવિધ ચલણમાં ક્રૂડ ઓઈલનું વેચાણ કરી શકશે

- સાઉદી અરબ સાથે 1974માં પેટ્રોડોલર કરારથી વૈશ્વિક નાણાકીય વ્યવહારોમાં યુએસ ડોલરનું મહત્વ વધ્યું હતું

દુબઈ : સાઉદી અરબ છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા તરફથી ખસીને ચીન તરફ ઢળી રહ્યું છે. આવા સમયે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાને અમેરિકા સાથેનો દાયકાઓ જૂનો પેટ્રો ડોલર કરાર ખતમ કરીને 'અંકલ સેમ'ને મોટો ફટકો આપ્યો છે. સાઉદી અરબના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના વેપાર માટે બેઝ કરન્સી તરીકે યુએસ ડોલરનું સ્થાન બદલાતા વૈશ્વિક અર્થતંત્ર પર લાંબાગાળાની અસરો સર્જશે. વૈશ્વિક નાણાંકીય વ્યવહારમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવતો સાઉદી અરબ અને અમેરિકા વચ્ચેનો પેટ્રોડોલર કરાર ૮ જૂને ૨૦૨૪ના રોજ પૂરો થયા પછી સાઉદી અરબે તેને રીન્યુ કરવાનો ઈન્કાર કરી દીધો છે. સાઉદી અરબના આ પગલાંથી હવે દુનિયામાં માત્ર અમેરિકન ડોલરમાં થતા ક્રૂડ ઓઈલના સોદા હવે યુઆન, રુબલ, રૂપિયા, યેન જેવા વિવિધ દેશોના ચલણોમાં થઈ શકશે.

અમેરિકા અને સાઉદી અરબ વચ્ચે વર્ષ ૧૯૭૪ની ૮ જૂને પેટ્રો-ડોલર કરાર થયો હતો. આ કરાર વૈશ્વિક નાણાકીય વ્યવહારોમાં અમેરિકાના પ્રભુત્વનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. આ કરાર હેઠળ સાઉદી અરબ ક્રૂડ ઓઈલની નિકાસ વિશેષરૂપે યુએસ ડોલરમાં કરવા અને ક્રૂડની આવકમાંથી થતા ફાજલ નાણાંનું યુએસ ટ્રેઝરી બોન્ડમાં રોકાણ કરવા સંમત થયું હતું. બદલામાં અમેરિકાએ સાઉદી અરબને તમામ પ્રકારની સૈન્ય સુરક્ષા અને આર્થિક વિકાસમાં સહાયની ખાતરી આપી હતી. આ કરાર હેઠળ દુનિયામાં સૌથી વધુ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરનાર સાઉદી અરબ માત્ર ડોલરના ચલણમાં જ ક્રૂડનું વેચાણ કરતું હતું, જેના કારણે વૈશ્વિક નાણાકીય વ્યવહારોમાં ડોલરનું પ્રભુત્વ વધ્યું હતું.

પેટ્રો ડોલર કોઈ ચલણ નથી પરંતુ ક્રૂડ ઓઈલની નિકાસ માટે થતું યુએસ ડોલરનું વિનિમય છે. ક્રૂડ ઓઈલના વેચાણ મારફત ક્રૂડની નિકાસ કરતા દેશો દ્વારા જે યુએસ ડોલરની કમાણી થાય છે તેને 'પેટ્રો ડોલર' કહેવામાં આવે છે. ૧૯૭૦ના દાયકામાં વૈશ્વિક અર્થતંત્રો અને ભૂ-રાજકીય પરિસ્થિતિમાં પેટ્રો ડોલરની કલ્પનાએ અમેરિકાનું મહત્વ વધારી દીધું હતું. શરૂઆતમાં ૧૯૪૪માં બ્રેટન વૂડ્સ કરારે વિશ્વના પ્રાથમિક અનામત ચલણ તરીકે યુએસ ડોલરને સ્વીકૃતિ આપી હતી. આ કરારના પગલે બીજા વિશ્વ યુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય વેપાર અને આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવી હતી.

જોકે, હવે ક્રાઉન પ્રિન્સ સલમાને અમેરિકા સાથેનો કરાર રીન્યુ નહીં કર્યો હોવાથી સાઉદી અરબ ચીન સાથે ચાઈનીઝ આરએમબી-યુઆન, યુરોપ સાથે યુરો, જાપાન સાથે યેન, ભારત સાથે રૂપિયા જેવા વિવિધ ચલણોમાં ક્રૂડ અને અન્ય સામાનના સોદા કરી શકશે. વધુમાં ક્રૂડ અને અન્ય સામાનોના ખરીદ-વેચાણ માટે નાણાકીય વ્યવહાર કરવા બિટકોઈન જેવા ડિજિટલ ચલણની સંભાવનાઓ પણ ચકાસવા અંગે વિવિધ દેશો વચ્ચે ચર્ચા થઈ રહી છે.

ક્રૂડ ઓઈલમાં વિવિધ દેશોના ચલણમાં નાણાકીય વ્યવહારથી આંતરરાષ્ટ્રીય વેપાર માટે પણ ડોલરના બદલે વૈકલ્પિક ચલણોનો ઉપયોગ વધી શકે છે, જેનાથી યુએસ ડોલરનું વૈશ્વિક પ્રભુત્વ નબળું પડવાની સંભાવના છે.  ડોલરની વૈશ્વિક માગમાં ઘટાડાથી ફુગાવા અને વ્યાજદરમાં વૃદ્ધિ આવી શકે છે તથા અમેરિકામાં બોન્ડ બજાર નબળું થવાની શક્યતા છે, જેનાથી વૈશ્વિક નાણાકીય ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવી શકે છે. સાઉદી અરબનું આ પગલું વૈશ્વિક આર્થિક વેપારમાં એક મોટા પરિવર્તનની શરૂઆત છે. જોકે, આંતરરાષ્ટ્રીય વેપાર અને નાણાંકીય સ્થિતિ પર તેની કેટલી અસર થશે તે જોવાનું હજુ બાકી છે.


Google NewsGoogle News