સાઉદી યુવરાજે અમેરિકન વિદેશ મંત્રીનું કર્યું અપમાન! મિટિંગ માટે કલાકો સુધી બેસાડ્યા, બંને દેશના આવ્યા નિવેદન
અમેરિકી વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન સાઉદી યુવરાજ સાથે મુલાકાત કરવા ઘણા કલાકો સુધી બેસી રહ્યા, છેવટે ન મળ્યા
સાઉદી યુવરાજ શનિવારે બ્લિંકનને કેમ ન મળ્યા, તેનું કારણ અકબંધ, જોકે બીજા દિવસે બંને નેતાઓ વચ્ચે યોજાઈ મુલાકાત
અબુધાબી, તા.17 ઓક્ટોબર-2023, મંગળવાર
અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન (Antony Blinken) ઈઝરાયે-હમાસના યુદ્ધ (Israel-Hamas War)ને લઈ આરબ દેશોની મુલાકાતે છે, ત્યારે વોશિંગ્ટન પોસ્ટમાં જણાવ્યા મુજબ સાઉદી અરેબિયાના યુવરાજ મોહમ્મદ બિન સલમાન (Saudi Arabia Prince Mohammed bin Salman) દ્વારા કથિત રીતે અમેરિકા (America)ના વિદેશમંત્રીનું અપમાન થયું હોવાની બાબત સામે આવી છે. વાસ્તવમાં સાઉદી અરેબિયા પહોંચેલા અમેરિકી વિદેશમંત્રી અને સાઉદી યુવરાજ વચ્ચે બેઠક યોજાવાની હતી, જોકે સાઉદી યુવરાજના કારણે અમેરિકી વિદેશમંત્રીએ ઘણા કલાકો સુધી રાહ જોવી પડી. ઘણા કલાકો રાહ જોવાય બાદ એન્ટની બ્લિંક સાઉદી યુવરાજને મળ્યા વગર જ પાછા જતા રહ્યા. ત્યારબાદ બંને નેતાઓની બેઠક આગામી દિવસે નિર્ધારીત કરવામાં આવી.
મોહમ્મદ બિન સલમાને અમેરિકી વિદેશમંત્રીને ઘણા કલાકો સુધી રાહ જોવડાવી
મીડિયા અહેવાલો મુજબ અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન શનિવારે રિયાદ પહોંચ્યા હતા, જ્યાં સાંજે બ્લિંકન અને સાઉદી યુવરાજ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત યોજાવાની હતી, જોકે ઘણા કલાકો વિતવા છતાં સાઉદી યુવરાજ એન્ટની બ્લિંકન સાથે મુલાકાત ન કરી. ત્યારબાદ રવિવારે સવારે બંને નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ. સાઉદી યુવરાજ શનિવારે બ્લિંકનને કેમ ન મળ્યા, તેનું હજુ કારણ સામે આવ્યું નથી.
સાઉદી યુવરાજ અને અમેરિકી વિદેશમંત્રીના નિવેદનમાં મતભેદ
બેઠક બાદ બંને દેશોના નિવેદનમાં ઘણું અંતર જોવા મળ્યું હતું. બ્લિંકને મીડિયાને જણાવ્યું કે, તેમની અને સાઉદી યુવરાજ મોહમ્મદ બિન સલમાન વચ્ચે થયેલી વાતચીત ખુબ સારી રહી. તેમણે કહ્યું કે, ઈઝરાયેલને પોતાના નાગરિકોની સુરક્ષા કરવાનો અને તેના પર થયેલા હુમલાનો જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે. બ્લિંકને વધુમાં કહ્યું કે, અમેરિકા બંને દેશોનો સંઘર્ષ વધે નહીં તે માટે પણ પ્રયાસો કરી રહ્યું છે.
સાઉદી યુવરાજે શું કહ્યું ?
બીજીતરફ સાઉદી અરેબિયાના મીડિયા મુજબ, બેઠક દરમિયાન સાઉદી અરેબિયાના યુવરાજે કહ્યું કે, વર્તમાન સંઘર્ષ અટકવો જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું જોઈએ. સાઉદી અરેબિયાએ ગાઝા (Gaza)માં ઈઝરાયેલ દ્વારા વિજળી-પાણીની સપ્લાટ ફરી શરૂ કરવાની પણ વાત કહી. સાઉદી અરેબિયાએ ઈઝરાયેલની કાર્યવાહી પર કથિત રીતે નારાજગી દર્શાવી છે.
બ્લિંકને અગાઉ ઈજિપ્તના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી
ઉલ્લેખનિય છે કે, અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને તાજેતરમાં જ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી (Egypt President Abdel Fattah El-Sisi) સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં એન્ટની બ્લિંકને ગાઝા અને ઈજિપ્ત વચ્ચેની વર્તમાન રફાહ સરહદ ખોલવાની વાત કહી હતી, જોકે હાલ રફાહ સરહદ બંધ છે. ઉપરાંત ઈજિપ્તે ગાઝાના લોકોને પોતાની સરહદમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. હાલ રફાહ સરહદ પર મોટી સંખ્યામાં પેલેસ્ટાઈન (Palestine)ના નાગરિકો ફસાયેલા છે.