સાઉદીનો મોટો નિર્ણય, ઈઝરાયલ-અમેરિકાને આપ્યો ઝટકો, કહ્યું - 'જ્યાં સુધી પેલેસ્ટાઈન...'
Israel-Palestine conflict : હાલ ઈઝરાયલ, હમાસ, લેબનોન, ઈરાન અને પેલેસ્ટાઈન વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી તરફ છેલ્લા બે દિવસમાં લેબનોનમાં પેજર-મોબાઇલ સહિત અનેક ઈલેક્ટ્રોનિક્સ વિસ્ફોટો થયા છે, ત્યારે આ સળગતા વિવાદો વચ્ચે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ઈઝરાયલ અને અમેરિકાને ઝટકો આપતો મુદ્દો ઉઠાવ્યો છે.
પેલેસ્ટાઈનને સ્વતંત્ર રાજ્ય બનાવવા માંગ
સાઉદી ક્રાઉન પ્રિન્સે પેલેસ્ટાઈનની આઝાદીનો મુદ્દો ઉઠાવી કહ્યું કે, પેલેસ્ટાઈન સ્વતંત્ર રાજ્ય નહીં બને ત્યાં સુધી સાઉદી અરેબિયા ઈઝરાયલને માન્યતા નહીં આપે. આ ઉપરાંત તેમણે પેલેસ્ટિનિયન લોકો વિરુદ્ધ ઈઝરાયલની કાર્યવાહીની પણ ટીકા કરી છે. તેમણે કહ્યું કે, સાઉદી કિંગડમ સ્વતંત્ર પેલેસ્ટાઈન રાજ્યની માંગનું સમર્થન કરે છે, જેની રાજધાની પૂર્વ જેરુસલેમ હશે.
આ પણ વાંચો : ...તો ચીનને પડશે મોટો ફટકો ! હિંદ મહાસાગરમાં દબદબો વધારવા ભારત-અમેરિકાએ શરૂ કરી કવાયત
ઈઝરાયલને મોટો ફટકો પડ્યો
સાઉદી ક્રાઉન પ્રિન્સે વધુમાં કહ્યું કે, સાઉદી કિંગડમ પેલેસ્ટાઈનની આઝાદી વિના ઈઝરાયલ સાથે કોઈપણ પ્રકારના સંબંધો સ્થાપશે નહીં. અમેરિકા લાંબા સમયથી બન્ને દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ગયા વર્ષે સાત ઑક્ટોબરે હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યા બાદ આ યોજનાને ફટકો પડ્યો છે. આ દરમિયાન અમેરિકાએ પણ ઈઝરાયલનું સમર્થન કર્યું છે, ત્યારે ઈઝરાયલની નજીક આવવાની સ્થિતિને સાઉદી અરેબિયાની પોલિસીમાં મોટા ફેરફાર તરીકે જોવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : હજુ તો શરૂઆત છે, હિઝબુલ્લાહે ભારે કિંમત ચૂકવવી પડશે...' ઈઝરાયલની નવી ધમકીથી હડકંપ