'ઓઇલના ભાવ ઓછા કરે સાઉદી અરેબિયા...', વર્લ્ડ ઇકોનૉમિક ફોરમના સંબોધનમાં બોલ્યા ટ્રમ્પ
World Economic Forum in Davos: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનૉમિક ફોરમને સંબોધિત કર્યા. તેમણે સાઉદી અરેબિયાને ઓઇલના ભાવ ઘટાડવા અને અમેરિકામાં રોકાણ એક ટ્રિલિયન ડૉલર સુધી વધારવા અપીલ કરી.
ટ્રમ્પે વીડિયો કોન્ફરન્સ દ્વારા કહ્યું, 'મેં ગ્રીન ન્યૂ ડીલને ખતમ કરી નાખી. હું તેને ગ્રીન ન્યૂ સ્કેમ કહું છું, હું એકતરફી પેરિસ ક્લાયમેટ એગ્રીમેન્ટમાંથી હટી ગયો અને મોંઘા ઇલેક્ટ્રિક વાહનના મેન્ડેટને સમાપ્ત કરી દીધો. અમેરિકા પાસે પૃથ્વી પરના કોઈપણ દેશ કરતાં સૌથી વધુ ઓઇલ અને ગેસ છે, અને આપણે તેનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. હું સાઉદી અરેબિયા અને OPECને ઓઇલના ભાવ ઘટાડવા કહેવા જઈ રહ્યો છું, તમારે તે ઘટાડવા પડશે.'
રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે જો ઓઇલના ભાવ ઘટશે તો રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે. તેમણે કહ્યું, 'જો કિંમતો ઘટશે તો રશિયા-યુક્રેન યુદ્ધ તરત જ સમાપ્ત થઈ જશે. હું માંગ કરીશ કે વ્યાજ દર તાત્કાલિક ઘટાડવામાં આવે. આખી દુનિયામાં તેને ઘટાડવાની જરૂર છે.'
વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધતા ટ્રમ્પે વિશ્વભરના ઉદ્યોગપતિઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે તેઓ તેમની મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સને અમેરિકામાં લાવે, નહીં તો ટેરિફ વધારાનો સામનો કરવા માટે તૈયાર રહે.
ટ્રમ્પે કહ્યું, 'દુનિયાના દરેક વ્યવસાય માટે મારો સંદેશ ખૂબ જ સરળ છે. આવો અને પોતાની પ્રોડક્ટ અમેરિકામાં બનાવો અને અમે તમને વિશ્વના કોઈપણ દેશની તુલનામાં સૌથી ઓછો ટેક્સ આપીશું.'