ઈઝરાયલ વિરુદ્ધ 8 મુસ્લિમ દેશ એકજૂટ થતાં સાઉદીએ આપ્યો ઝટકો! કહ્યું - ગાઝામાં યુદ્ધ રોકાય તો...
Saudi Arabia Setback Amid 8 Muslim Countries Meeting: ગુરુવારે પાકિસ્તાન, બાંગ્લાદેશ, તૂર્કી અને ઈન્ડોનેશિયા જેવા 8 મુસ્લિમ દેશોના સંગઠનોની બેઠક યોજાવાની છે. આ બેઠક ઈજિપ્તમાં યોજાવા જઈ રહી છે અને ઈઝરાયલ વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારીમાં છે. આ વચ્ચે વિશ્વના સૌથી શક્તિશાળી મુસ્લિમ દેશ તરીકેની ઓળખધરાવતા સાઉદી અરેબિયાને મોટો ઝટકો આપ્યો છે. ઈઝરાયલ સાથે સાઉદી અરેબિયાની બેકડોર વાતચીત ચાલી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે, સંબંધોને સામાન્ય કરવાને લઈને ડીલ પણ થઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સાઉદી અરેબિયાએ માત્ર એક શરત મૂકી છે કે જો ગાઝામાં યુદ્ધ રોકાય તો ઈઝરાયેલ સાથે સંબંધોને આગળ વધારવામાં આવી શકે છે. વાતચીતની આ સંપૂર્ણ પ્રક્રિયા ડોનાલ્ડ ટ્રમ્પના માધ્યમથી ચાલી રહી છે.
ગાઝામાં યુદ્ધ રોકાય તો સાઉદી અરેબિયા સંબંધો સામાન્ય કરવા માટે તૈયાર
એક અહેવાલ પ્રમાણે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળની ડોનાલ્ડ ટ્રમ્પના નજીકનાઓ સાથે મુલાકાત થઈ હતી. ખાસ કરીને ટ્રમ્પ દ્વારા મિડલ ઈસ્ટ માટે ટ્રમ્પના દૂત જાહેર કરવામાં આવેલા સ્ટીવ વિટકોફ આ બેઠકમાં હાજર હતા. બેઠકમાં સાઉદી અરેબિયાએ સ્પષ્ટ કરી દીધું હતું કે, જો ગાઝામાં યુદ્ધ રોકાય તો સાઉદી અરેબિયા સંબંધો સામાન્ય કરવા માટે તૈયાર છે. એટલું જ નહીં સાઉદી અરેબિયાનું કહેવું છે કે, પેલેસ્ટાઈનને લઈને અમેરિકા દ્વારા નિવેદન જારી કરવામાં આવે. જો આવું થશે તો અમારા માટે સંબંધોને સામાન્ય બનાવવા તરફ આગળ વધવું સરળ બનશે. આમ સાઉદી અરેબિયા તુર્કી, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઈરાન જેવા ઈસ્લામિક દેશોથી અલગ રાહ પર આગળ વધી રહ્યો છે.
ગાઝાને બદલે પોતાના આર્થિક હિતોને વધુ પ્રાથમિકતા
અત્યાર સુધી તેમણે ગાઝા પર ઈઝરાયેલના હુમલાની માત્ર ઔપચારિક નિંદા જ કરી છે, પરંતુ કોઈ ઠોસ પ્રસ્તાવ નથી લાવ્યું. એટલું જ નહીં હવે તેણે સંબંધોને આગળ વધારવાની પહેલ દ્વારા પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે હવે ગાઝાને બદલે પોતાના આર્થિક હિતોને વધુ પ્રાથમિકતા આપી રહ્યું છે. સાઉદી અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધોને સમજનારા લોકો તેની પાછળ ઘણાં કારણો ગણાવે છે. જાણકારોનું કહેવું છે કે, સાઉદી અરેબિયા ધર્મના નામે ધ્રુવીકરણની વૈશ્વિક રાજનીતિમાં ફસાવવા નથી માગતું. તેના બદલે તેઓ વિઝન 2030 પર કામ કરી રહ્યા છે જેથી ઈઝરાયેલ અને અમેરિકા જેવા દેશોમાંથી રોકાણ હાંસલ કરી શકાય. સાઉદી અરેબિયાના વિઝન 2030 પાછળની નીતિ તેલના પુરવઠાથી આગળ પણ અર્થતંત્ર ઊભુ કરી શકાય. આવી સ્થિતિમાં તેના માટે ઈઝરાયેલ, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન જેવા દેશો સાથે સારા સંબંધો જાળવી રાખવા વધુ જરૂરી છે.
ઈઝરાયલના હથિયારોની પણ સાઉદી અરેબિયાને જરૂર
સાઉદી અરેબિયાનો બીજો ઉદ્દેશ્ય ઈઝરાયેલ પાસેથી હથિયાર ખરીદવાનો પણ છે. સાઉદી અરેબિયા ઈઝરાયલની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમ ખરીદવા માગે છે. એટલું જ નહીં સાઉદી અરેબિયા હજુ પણ ઈઝરાયેલમાં બનેલા સ્પાયવેરનો ઉપયોગ કરે છે. તેમની મદદથી તે કિંગડમના વિરોધીઓ પર નજર રાખે છે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, 2020માં અબ્રાહમ એકોર્ડ વાળી પહેલ પાછળ સાઉદી અરેબિયાનો હાથ હતો. તે ઈઝરાયેલ સાથેની કડવાશ ભૂલીને સંબંધોને સામાન્ય બનાવવા માંગે છે જેથી દેશમાં આર્થિક પ્રગતિ પર ફોકસ કરી શકાય.