Get The App

સાઉદી અરબનો ટ્રમ્પને મોટો ઝટકો, પેલેસ્ટાઈન દેશના નિર્માણ સુધી ઈઝરાયલને માન્યતા આપવા ઈનકાર

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
સાઉદી અરબનો ટ્રમ્પને મોટો ઝટકો, પેલેસ્ટાઈન દેશના નિર્માણ સુધી ઈઝરાયલને માન્યતા આપવા ઈનકાર 1 - image


Saudi Arabia's Big Blow To Trump: ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઈટ હાઉસમાં વાપસીની સાથ જ એવી અટકળોએ જોર પકડ્યું હતું કે, તેમના બીજા કાર્યકાળમાં સાઉદી અરબ અને ઈઝરાયલ વચ્ચેના સંબંધો સામાન્ય થઈ જશે. પરંતુ ઈસ્લામિક દેશે સ્પષ્ટ કરી દીધું છે કે, જ્યાં સુધી પેલેસ્ટાઈન દેશનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી ઈઝરાયલને માન્યતા નહીં આપશે. એવું માનવામાં આવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ એક મોટો ઝટકો છે. તેઓ સતત મિડલ ઈસ્ટના આ બે શક્તિશાળી દેશોને એકસાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના પહેલા કાર્યકાળ દરમિયાન તેમણે ઐતિહાસિક અબ્રાહમ કરાર કરાવ્યો હતો, જેના હેઠળ સંયુક્ત આરબ અમીરાતે (UAE) ઈઝરાયલને માન્યતા આપીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધુ હતું. તેથી હવે સવાલ એ ઊભો થાય છે કે શું અબ્રાહમ એકોર્ડ 2.0 ફેલ થઈ ચૂક્યું છે?

એક અહેવાલ પ્રમાણે સાઉદી અરબે બુધવારે સ્પષ્ટ કરી દીધું કે, જ્યાં સુધી પેલેસ્ટાઈન દેશનું નિર્માણ કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ ઈઝરાયલ સાથે સંબંધો સ્થાપિત નહીં કરશે. સાઉદી અરબનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગત મહિને પ્રમુખ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, સાઉદી પેલેસ્ટાઈન દેશની માગ નથી કરી કહ્યું. એટલે કે સાઉદીએ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે, જે ઈસ્લામિક દેશના નજીકના માનવામાં આવે છે.

સાઉદી અરબનો ટ્રમ્પને મોટો ઝટકો

મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારું નિવેદન આપતા પેલેસ્ટિનિયનોને ઈજિપ્ત અથવા જોર્ડનમાં વસાવવાની માગ કરી હતી અને કહ્યું હતું કે ગાઝા પર અમેરિકાનું નિયંત્રણ સ્થાપિત થશે અને અમેરિકા તેનું પુનર્નિર્માણ કરશે. ટ્રમ્પના આ નિવેદનનો મુસ્લિમ દેશોમાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આ નિવેદન આપ્યું ત્યારે ઈઝરાયના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પણ તેમની સાથે હતા. 

સાઉદી અરબના વિદેશ મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું કે, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન જે દેશના વડા પ્રધાન પણ છે તેમણે પેલેસ્ટાઇન અંગેના તેમના ઇરાદાઓને 'સ્પષ્ટ અને સટીક રીતે' પુષ્ટિ આપી છે, જે કોઈપણ સંજોગોમાં કોઈ અર્થઘટનને મંજૂરી આપતા નથી. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સાઉદી અરબ પેલેસ્ટિનિયનોને તેમની જમીન પરથી વિસ્થાપિત કરવાના કોઈપણ વિચારને સ્પષ્ટપણે નકારે છે. તેમણે કહ્યું કે, પેલેસ્ટિનિયનો અંગે સાઉદી અરબના વલણ પર કોઈ સમાધાન નહીં થશે. જ્યારે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ઈઝરાયલ સાઉદી અરબ સાથે સારા પ્રયાસો કરશે અને સફળ થશે.

આ પણ વાંચો: મને મારવાનો પ્રયાસ પણ કર્યો તો ઇરાન...' મુસ્લિમ દેશને ટ્રમ્પની ખુલ્લી ધમકી, પ્રતિબંધ આકરા કર્યા

ઈઝરાયલી હુમલાઓ પર સાઉદીની પ્રતિક્રિયા એકદમ સંતુલિત રહી

ગાઝા પટ્ટીમાં ઓક્ટોબર 2023માં શરૂ થયેવા ઈઝરાયલી હુમલાઓ બાદથી જ સાઉદીની પ્રતિક્રિયા એકદમ સંતુલિત રહી છે અને તેણે ક્યારેય આક્રમક રીતે ઈઝરાયલી હુમલાઓનો વિરોધ નથી કર્યો. જેના કારણે સાઉદી અરબની અંદર પણ અને અન્ય ઈસ્લામિક દેશોમાં સાઉદી પ્રત્યે ગુસ્સો જોવા મળ્યો છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પના પાછલા કાર્યકાળ દરમિયાન સાઉદી અરબ અને ઈઝરાયલ વચ્ચે મિત્રતા કરાવવા માટે ઘણા મહિનાઓ સુધી રાજદ્વારી પ્રયાસો કર્યા હતા, જેમાં તેઓ ઘણી હદ સુધી સફળ પણ રહ્યા હતા. સાઉદી અરબ ઈઝરાયલ પ્રત્યે ખૂબ નરમ બન્યું. જોકે, તેણે તેને માન્યતા ન આપી. 

સાઉદી અરબ ફરી એકવાર અમેરિકન ડિપ્લોમેસીના સેન્ટરમાં

ડોનાલ્ડ ટ્રમ્પ 2.0 દરમિયાન મિડલ ઈસ્ટમાં સાઉદી અરબ ફરી એકવાર અમેરિકન ડિપ્લોમેસીના સેન્ટરમાં આવવા જઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે ખૂબ સારા સંબંધો રહ્યા છે. પોતાના પાછલા કાર્યકાળમાં ટ્રમ્પે સાઉદી અરબના પ્રવાસથી જ પોતાના વિદેશ પ્રવાસની શરૂઆત કરી હતી. આ દરમિયાન સાઉદી અરબ અબજો ડોલરના અમેરિકન હથિયારો ખરીદવા માટે સંમત થયું હતું. 


Google NewsGoogle News