સાઉદીએ ભારતીયો માટે વિઝા નિયમો બદલ્યા, હજ યાત્રામાં ભીડના કારણે લેવાયો નિર્ણય
Saudi Arabia Changes It's Visa Policy: સાઉદી અરબે પોતાની વિઝા નીતિમાં મોટા ફેરફાર કર્યા છે, સાઉદીએ ભારત સહિત 14 દેશોના નાગરિકોને અપાતા મલ્ટિપલ વિઝા પર રોક લગાવી દીધી છે, હવેથી માત્ર સિંગલ એન્ટ્રી વિઝા જ આપવામાં આવશે. આ નિયમ 1 ફેબ્રુઆરીથી અમલમાં ગણાશે. મલ્ટિપલ વિઝાનો લાભ લઈને અયોગ્ય રીતે હજ યાત્રા કરનારાઓને અટકાવવા સાઉદીએ આ નિર્ણય લીધો છે.
આ 14 દેશ થશે પ્રભાવિત
સાઉદી સરકારે જે દેશોના મલ્ટિપલ વિઝા પર પ્રતિબંધ મુકી દીધો છે તેમાં ભારત, ઈન્ડોનેશિયા, ઈરાક, જોર્ડન, મોરક્કો, નાઇઝીરિયા, પાકિસ્તાન, સુદાન, યમન, બાંગ્લાદેશ જેવા કુલ 14 દેશોનો સમાવેશ થાય છે. જેમાં ભારતને બાદ કરતા મોટાભાગના મુસ્લિમ બહુમતવાળા દેશો છે. જોકે ભારતમાંથી પણ હજ યાત્રા માટે લાખો મુસ્લિમો સાઉદી જતા હોવાથી તેનો પણ સમાવેશ આ યાદીમાં કરાયો છે.
સાઉદીમાં હજ યાત્રામાં ભારે ભીડના કારણે વિઝા નિયમો કડક કર્યા
સાઉદી અરેબિયાના મલ્ટીપલ એન્ટ્રી વિઝા ધરાવતા લોકો હજ દરમિયાન હજ પરમિટ વિના અનધિકૃત રીતે હજ કરે છે, જેના કારણે મક્કામાં ભીડ વધે છે, જેને પગલે હજ યાત્રામાં વ્યવસ્થા પર અસર પહોંચે છે.
સિંગલ એન્ટ્રી વિઝા સાથે, વ્યક્તિ માત્ર એક જ વાર દેશમાં પ્રવેશી શકે છે, જ્યારે મલ્ટિપલ એન્ટ્રી વિઝા એ લાંબા ગાળાનો વિઝા છે જે વિઝા ધારકને તે દેશની ઘણી વખત મુલાકાત લેવાની મંજૂરી આપે છે.
સાઉદી વિઝા નીતિમાં મોટા ફેરફારો
બદલાયેલા નિયમો અનુસાર, વિવિધ દેશોમાંથી આવતા પ્રવાસીઓ સિંગલ એન્ટ્રી વિઝા માટે જ અરજી કરી શકે છે. આ વિઝા 30 દિવસ માટે માન્ય રહેશે અને પ્રવાસીઓ સાઉદીમાં વધુમાં વધુ 30 દિવસ જ રહી શકશે. જો કે, હજ, ઉમરાહ, રાજદ્વારી અને રેસિડેન્સી વિઝા પર આ ફેરફારથી કોઈ અસર થશે નહીં.
સાઉદી અધિકારીઓનું કહેવું છે કે મલ્ટીપલ વિઝા એન્ટ્રીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કેટલાક પ્રવાસીઓ લાંબા ગાળાના વિઝા પર દેશમાં આવતા હતા અને બાદમાં સાઉદી અરેબિયામાં હજ કરવા અથવા કામ કરવા માટે અનધિકૃત સમયગાળા માટે રોકાય જાય છે. જેના કારણે વ્યવસ્થા પર અસર પડે છે.
આ પણ વાંચો: બ્રિટિશ રાજકુમાર હેરીની પણ અમેરિકામાંથી થશે હકાલપટ્ટી? ટ્રમ્પે ખોલાવી વર્ષો જૂની ફાઇલ
હજમાં ભીડને નિયંત્રીત કરવા પગલું ભર્યું
સાઉદી સરકારને આશા છે કે વિઝાના નિયમોમાં ફેરફારથી માત્ર અધિકૃત હજયાત્રીઓ જ હજ કરી શકશે, જેના કારણે શહેરમાં ભીડ ઓછી થશે અને દરેક વ્યક્તિ ગરમીથી બચવા માટે કરવામાં આવેલી વ્યવસ્થાનો લાભ લઈ શકશે.
સાઉદી અધિકારીઓએ મલ્ટીપલ એન્ટ્રી વિઝાના સસ્પેન્શનને કામચલાઉ ગણાવ્યું છે. આ સસ્પેન્શન ક્યાં સુધી ચાલુ રહેશે તે હજુ સ્પષ્ટ નથી.