Get The App

સાઉદી અરબમાં મોતની સજા : એક જ દિવસમાં સાત લોકોના માથા ધડથી અલગ કરી દેવાયા, આતંકવાદના દોષી હતા

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
સાઉદી અરબમાં મોતની સજા : એક જ દિવસમાં સાત લોકોના માથા ધડથી અલગ કરી દેવાયા, આતંકવાદના દોષી હતા 1 - image

image : Twitter

રિયાધ,તા.28 ફેબ્રુઆરી 2024,બુધવાર

સાઉદી અરબની સરકારે ભલે છેલ્લા કેટલાક વર્ષોમાં સુધારાવાદી વલણ અપનાવ્યુ હોય પણ આ દેશ મોતની સજા આપવામાં દુનિયામાં મોખરે રહેલા દેશો પૈકી એક છે. 

સાઉદી અરબમાં જેમને મોતની સજા ફરમાવાય છે તેમને કાંતો ફાંસી આપવામાં આવે છે અથવા તો તેમનુ માથુ તલવારથી કાપી નાંખવામાં આવે છે. 

સાઉદી અરબના મીડિયા અહેવાલ અનુસાર મંગળવારે આતંકવાદના આરોપ બદલ દોષી ઠેરવવામાં આવેલા સાત લોકોનુ માથુ તલવાર વડે ધડથી અલગ કરી દેવામાં આવ્યુ હતુ. 2022માં માર્ચ મહિનામાં સાઉદી અરબમાં એક જ દિવસમાં 81 લોકોને ફાંસી આપવામાં આવી હતી અને એ પછી મંગળવારે સૌથી વધારે લોકોને મૃત્યુદંડ આપવાની ઘટના બની હતી. 

સાઉદી અરબની સત્તાવાર પ્રેસ એજન્સીના કહેવા અનુસાર આ સાતે વ્યક્તિઓ પર આતંકી સંગઠનો ઉભા કરવાનો અને તેને ફંડિંગ કરવાનો આરોપ હતો. જેમાં તેમને દોષી ઠેરવવામાં આવ્યા બાદ મોતની સજા સંભળાવવામાં આવી હતી. 

આ સાતે વ્યક્તિઓ સાઉદી અરબના જ નાગરિક હોવાનુ મનાઈ રહ્યુ છે. જોકે તેમની નાગરિકતાનો સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી. 

સાઉદી અરબે 2023માં 170 લોકોને ફાંસી આપી હતી અને 2024માં અત્યાર સુધી 29 લોકોને મોતની સજા આપવામાં આવી છે. એમેનેસ્ટી ઈન્ટરનેશનલના કહેવા અનુસાર 2022માં ચીન અને ઈરાનન બાદ સૌથી વધારે લોકોને મોતની સજા સાઉદી અરબમાં ફટકારવામાં આવી હતી. 

ગત વર્ષે જેમને મોતની સજા અપાઈ હતી તેમાં દેશદ્રોહના દોષી બે સૈનિકો તેમજ આતંકવાદી કૃત્યો સાથે સંકળાયેલા 33 લોકો પણ સામેલ હતા. 

સાઉદી અરબની સરકાર માને છે કે,  કાયદો અને વ્યવસ્થાનુ શાસન જળવાઈ રહે તે માટે મોતની સજા આપવી જરુરી પણ છે અને યોગ્ય પણ છે. 


Google NewsGoogle News