Get The App

હજ યાત્રા અંગે સાઉદી સરકારનો મોટો નિર્ણય, હવે આ લોકોને મક્કામાં નહીં મળે એન્ટ્રી, નિયમો તોડશે તો...

Updated: May 24th, 2024


Google NewsGoogle News
હજ યાત્રા અંગે સાઉદી સરકારનો મોટો નિર્ણય, હવે આ લોકોને મક્કામાં નહીં મળે એન્ટ્રી, નિયમો તોડશે તો... 1 - image
Image - X (Twitter)

Saudi Arabia Haj Yatra 2024 : સાઉદી અરેબિયાના મક્કા (Makka)માં મુસ્લિમો દ્વારા થતી પવિત્ર યાત્રા હજની ગઈકાલે (23 મે)થી શરૂઆત થઈ ગઈ છે, પરંતુ જો તમે હજ સિઝનમાં પ્રવાસી વીઝા (Visitor Visa) પર સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા જવા ઈચ્છશો, તો પણ નહીં જઈ શકો. કારણ કે સાઉદી અરેબિયાના ગૃહમંત્રાલયે પ્રવાસી વીઝા પર મક્કામાં પ્રવેશ કરવા માંગતા લોકો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગૃહમંત્રાલયે કહ્યું છે કે, ‘કોઈપણ મુસાફર પ્રવાસી વીઝામાં મક્કામાં પ્રવેશ નહીં મેળવી શકે. મંત્રાલયે એમ પણ કહ્યું છે કે, આ પ્રતિબંધ 23 મેથી 21 જૂન સુધી લાગુ રહેશે.

હજ પરમિટ હશે તેને જ મક્કામાં જવા દેવાશે

સાઉદી અરેબિયાની સરકારી સમાચાર એજન્સી સાઉદી પ્રેસ એજન્સીના જણાવ્યા મુજબ પ્રવાસી વીઝા પર સાઉદી અરેબિયા આવેલા વિદેશીઓને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ હજ સિઝન દરમિયાન મક્કાની યાત્રા ન કરે. મંત્રાલયે કહ્યું છે કે, મક્કામાં હજ કરવા ઈચ્છુક કોઈપણ વ્યક્તિ પાસે હજ પરમિટ હોવી ફરજીયાત છે, પરંતુ જો કોઈ વ્યક્તિ યાત્રા વીઝા હેઠળ હજ કરવા માંગશે તો તેને મંજૂરી અપાશે નહીં. એટલે કે જેની પાસે હજ પરમિટ હશે તેને જ મક્કામાં હજ કરવા જવા દેવાશે.

ઉમરા માટેનું રજિસ્ટ્રેશન કરાયું બંધ

મંત્રાલયને ટાંકીને સાઉદી ગેજેટના રિપોર્ટમાં જણાવાયું છે કે, હજ અને ઉમરા મંત્રાલયે હજ પરમિટ જારી કરતા ઑનલાઈન પોર્ટલ Nusuk એપ પરથી ઉમરા માટેનું રજિસ્ટ્રેશન બંધ કરી દીધું છે. સાઉદી અધિકારીઓએ કહ્યું છે કે, યાત્રા વીઝા પર મક્કામાં પ્રવેશ કરનારાઓને કડક ફટકારાશે અને તેમણે મોટો દંડ ચૂકવવો પડશે.

હજના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કડક દંડ કરાશે

મંત્રાલયે આ સપ્તાહની શરૂઆતમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘હજના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કડક દંડ કરાશે. જેઓ હજ પરમિટ વગર મક્કા અને પવિત્ર સ્થળો પરથી પકડાશે તો તેમને $2,666 (2 લાખ, 22 હજાર, 651 રૂપિયા)નો દંડ ફટકારાશે. આ નિયમ અને દંડ તમામ નાગરિકો, સાઉદીમાં રહેતા લોકો અને વિદેશથી આવનારા લોકો પર લાગુ કરાયો છે. જો કોઈ વારંવાર ઉલ્લંઘન કરશે તો તેને બમણો દંડ ફટકારાશે. જો સાઉદીમાં રહેતા વિદેશીઓ નિયમ તોડશે તો તેમને તેમના દેશમાં પરત મોકલાશે અને સાઉદીમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાશે.


Google NewsGoogle News