સાઉદી અરબનું ફરમાન, રમઝાન મહિનામાં મસ્જિદોમાં ઈફ્તારના આયોજન પર મૂક્યો પ્રતિબંધ
નિર્દેશમાં કહેવાયું કે મસ્જિદની આયોજન ન કરવું, બહાર પરિસરમાં ક્યાંક વ્યવસ્થા કરવી
image : Twitter |
Saudi Arab bans Iftar in mosque | મુસ્લિમો માટે પવિત્ર ગણાતા રમઝાન મહિનાનું આગમન હવે થોડાક જ દિવસો દૂર છે ત્યારે ઈસ્લામ ધર્મના સૌથી પવિત્ર ગણાતા શહેરો મક્કા અને મદીનામાં સાઉદી અરબે રોઝા દરમિયાન કરવામાં આવતા ઈફ્તાર અંગે મોટો નિર્ણય કર્યો છે. હવે આ ઈસ્લામિક દેશમાં મસ્જિદોમાં ઈફ્તાર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
સાઉદીએ આ નિર્ણય પાછળનું જણાવ્યું કારણ...
આ વર્ષે રમઝાન મહિનાની શરૂઆત 10 માર્ચથી થઇ શકે છે અને તે 9 એપ્રિલે સમાપ્ત થશે. આ મહિનામાં મુસ્લિમો સવારથી સાંજ સુધી ઉપવાસ રાખે છે. દિવસભર ઉપવાસ બાદ સૂર્ય ઢળ્યાં બાદ તેઓ ઉપવાસ તોડે છે જેને ઈફ્તાર કહેવામાં આવે છે. આ દરમિયાન ઘણાં લોકો મસ્જિદોમાં ઈફ્તારનું આયોજન કરે છે. આ પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ મસ્જિદોમાં સાફ-સફાઈ જણાવાયું છે.
મસ્જિદની અંદર આયોજન કરવાની મનાઇ
20 ફેબ્રુઆરી 2024ના રોજ ઈસ્લામિક બાબતોના મંત્રાલય તરફથી જારી કરાયેલી નોટિસમાં જણાવાયું હતું કે સાઉદી અરબની સરકાર એ વાત પર ભાર મૂકે છે કે મસ્જિદમાં સાફ-સફાઈને ધ્યાનમાં રાખી ઈફ્તારનું આયોજન ન કરવામાં આવે. આ માટે દિશાનિર્દેશો પણ જારી કરાયા છે. ટ્વિટમાં જણાવાયું કે મસ્જિદોના ઈમામ અને મોઅઝ્ઝિન મસ્જિદની બહાર યોગ્ય જગ્યાએ ઈફ્તારની વ્યવસ્થા કરે. જોકે એમ પણ કહેવાયું છે કે ઈફ્તાર માટે કોઈપણ પ્રકારના અસ્થાયી રૂમ કે ટેન્ટની વ્યવસ્થા ન કરવામાં આવે.
નોટિસમાં ઈમામ અને મોઅઝ્ઝિનને સોંપી જવાબદારી
સાઉદી અરબના મંત્રાલયની નોટિસમાં જણાવાયું છે કે ઈફ્તારના આયોજનની જવાબદારી ઈમામ સાહેબ અને મોઅઝ્ઝિનની છે. તેમની એ પણ જવાબદારી છે કે કોઈપણ મસ્જિદમાં ઈફ્તાર ન યોજવાના નિયમનો ભંગ ન કરે, ખાવાનું પતી જાય તો તેના પછી તરત જ મસ્જિદની સફાઈ કરાવે. સાથે જ હવે મસ્જિદના અધિકારીઓ ઈફ્તાર માટે દાન નહીં લઈ શકે. મસ્જિદ પરિસરમાં કેમેરા કે મોબાઈલ ફોનના ઉપયોગને પણ રોકવાની વાત કહેવાઈ છે. નમાઝને સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરવા સામે પણ પ્રતિબંધ મૂકાયો છે.