સાઉદીમાં માર્ગ અકસ્માતમાં 9 ભારતીયના મોત, જયશંકરે કહ્યું- 'પીડિત પરિવારોના સંપર્કમાં છીએ'
Saudi Arabia Accident 9 Indians Killed: સાઉદી અરેબિયામાં ગમખ્વાર રોડ અકસ્માત સર્જાયો છે. આ રોડ અકસ્માતમાં 9 ભારતીયોના મોત થઈ ગયા છે. જેદ્દાહમાં ભારતીય મિશને આ અંગે જાણકારી આપી છે. મિશને જણાવ્યું કે, આ અકસ્માત પશ્ચિમી સાઉદી અરેબિયામાં જીજાન પાસે સર્જાયો છે. અમે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો સાથે સંપર્કમાં છીએ. આ ઉપરાંત અમે સાઉદીના અધિકારીઓના સંપર્કમાં છીએ અને તેઓ પોતાનું સમર્થન આપી રહ્યા છે.
9 ભારતીય નાગરિકોના દુઃખદ મોત
ભારતીય કોન્સ્યુલેટે X પોસ્ટમાં જણાવ્યું કે, સાઉદી અરેબિયાના પશ્ચિમ ક્ષેત્રમાં જીજાન નજીક માર્ગ અકસ્માતમાં 9 ભારતીય નાગરિકોના દુઃખદ મૃત્યુ પર અમે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના. જેદ્દાહમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ સંપૂર્ણ સહાય પૂરી પાડી રહ્યા છે અને તેઓ અધિકારીઓ અને પરિવારો સાથે સંપર્કમાં છે. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરીએ છીએ. તેમણે એ પણ જણાવ્યું કે, અકસ્માત અંગે મૃતકો અને ઘાયલોના સંબંધીઓ સંપર્ક કરી શકે તે માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.
હેલ્પલાઇન નંબરો
8002440003(Toll free)
0122614093
0126614276
0556122301(WhatsApp)
વિદેશ મંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. X પર એક પોસ્ટમાં વિદેશ મંત્રીએ કહ્યું કે, 'અકસ્માત અને જાનહાનિ વિશે જાણીને મને દુઃખ થયું. જેદ્દાહમાં અમારા કોન્સ્યુલ જનરલ સાથે વાત કરી, જેઓ સંબંધિત પરિવારોના સંપર્કમાં છે. તેઓ આ દુઃખદ પરિસ્થિતિમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.'