સાનિયા મિર્ઝાના પુત્રનો મામલો : શું પાકિસ્તાની પિતાના સંતાનને ભારતીય નાગરિકતા મળી શકે? જાણો નિયમ
ભારતના બંધારણ પ્રમાણે જો કોઈ ભારતીય બીજા દેશનો પાસપોર્ટ લેવા ઈચ્છે તો તેણે પોતાની ભારતીય નાગરિકતા છોડવી પડશે
Image Social Media |
સાનિયા મિર્ઝા ટેનિસ જગતમાં ભારતનું ગૌરવ છે. પરંતુ વર્ષ 2010માં તેને ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. આ તે સમય હતો, જ્યારે સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. પરંતુ, હવે આ લગ્ન 14 વર્ષ પછી કાયદાકીય રીતે સમાપ્ત થઈ ગયા છે. સાનિયા લાંબા સમયથી શોએબથી અલગ તેના પુત્ર ઈઝહાન મિર્ઝા મલિક સાથે દુબઈમાં રહે છે.
તો ઈઝહાનને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે કે, શું છૂટાછેડા પછી સાનિયા તેના પુત્ર સાથે ભારત પરત ફરશે અથવા શું તે તેને ભારતીય નાગરિકતા અપાવશે? સોશિયલ મીડિયા આવા અનેક સવાલો પર લોકો ચર્ચાઓ કરી રહ્યા છે.
હાલ શું છે ઇઝહાન મિર્ઝા મલિકની નાગરિકતાનું સ્ટેટસ ?
ઈઝહાનનો મામલો હાલમાં ખુબ ગુંચવાયેલો છે. ઇઝહાન હાલમાં ગોલ્ડન વિઝા પર તેની માતા સાથે દુબઈમાં રહે છે. UAE ના આ વિઝા કોઈને પણ ત્યાં લાંબા સમય સુધી રહેવાની છુટ આપે છે, અને તેના બીજા અન્ય ફાયદા પણ છે, જે સાનિયાને મળી રહ્યા હશે. ટેનિસ સ્ટારે પાકિસ્તાની નાગરિક સાથે લગ્ન કર્યા પછી પણ તેણે ભારતીય નાગરિકતા નથી છોડી, તેમજ તેણે ભારત માટે રમવાનું ચાલુ રાખ્યું. ત્યાં સુધી કે તેના બાળકનો જન્મ પણ ભારતીય હોસ્પિટલમાં થયો હતો. આ રીતે જોઈએ તો, જો સાનિયા ઈચ્છે તો ઇઝહાનને ભારતનો નાગરિક કહી શકે છે.
પાકિસ્તાને ઈઝહાનને નાગરિકતા આપવાની મનાઈ કરી
ઈઝહાનના જન્મ પછી પાકિસ્તાનની ગુપ્તચર સેવા –ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કહ્યું હતું કે, જો બાળક ભારતની નાગરિકતા લેશે, તો તેને પાકિસ્તાની નાગરિક માનવામાં નહીં આવે. જો કે, પાકિસ્તાનમાં બેવડી નાગરિકતા રાખવી કાયદાકીય રીતે માન્ય છે. ઘણા લોકો પાસે બે પાસપોર્ટ રાખતા હોય છે, જેમ કે એક પાકિસ્તાનનો અને બીજો કોઈ અન્ય મોટા દેશનો. પરંતુ પાકિસ્તાનનો આ કરાર ભારત સાથે નથી. એટલે જો કોઈ ભારતીય નાગરિક તેની સાથે પાકિસ્તાની પાસપોર્ટ રાખવા ઈચ્છે તો આ શક્ય નથી.
ભારતના બંધારણમાં બેવડી નાગરિકતા નથી
ભારતના બંધારણ પ્રમાણે જો કોઈ ભારતીય બીજા દેશનો પાસપોર્ટ લેવા ઈચ્છે તો તેણે પોતાની ભારતીય નાગરિકતા છોડવી પડશે. એટલે કે, જો ઇઝહાનને ભારતની નાગરિકતા આપવામાં આવે, તો તે અન્ય કોઈ દેશની નાગરિકતા નહીં લઈ શકે. અત્રે એક વાત નોધનીય છે કે, ઈઝહાનના જન્મ પછી શોએબે એવું કહ્યું હતું કે, તેનો દીકરો ન તો ભારતનો નાગરિક હશે અને ન તો પાકિસ્તાનનો. એટલે કદાચ તેનો અર્થ એવો થયો કે તે UAE નો નાગરિક હશે.