જ્યારે પૂર્વ સૈનિકે અમેરિકન આર્મીની ટેન્ક ચોરીને શહેરના રસ્તા પર આતંક મચાવ્યો...
image : twitter
નવી દિલ્હી,તા.17 મે 2023,બુધવાર
હોલીવૂડની ફિલ્મોમાં જ જોવા મળે તેવા દ્રશ્યો અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ડિયાગો શહેરના રસ્તા પર જોવા મળ્યા હતા. સાન ડિયાગોના રસ્તા પર એક આર્મી ટેન્કે ખાનાખરાબી સર્જી હતી અને લોકોમાં ભાગ દોડ મચી ગઈ હતી.
સામાન્ય રીતે ચોરી કરવા માટે સોના ચાંદી કે રોકડ રકમ અથવા બીજી કિંમતી વસ્તુઓ પર તસ્કરો પસંદગી ઉતારતા હોય છે ત્યારે અમેરિકન આર્મીના એક પૂર્વ સૈનિકે સાન ડિયાગો શહેરમાં આવેલા આર્મીના શસ્ત્રાગાર પર ધાપ મારી હતી અને તેમાંથી 57000 કિલો વજનની એમ60 એ3 પ્રકારની ટેન્ક ચોરી લીધી હતી. ટેન્ક પર સવાર થઈને આ વ્યક્તિ શહેરના રસ્તાઓ પર નીકળી ગયો હતો અને હાહાકાર મચાવ્યો હતો. જે પણ રસ્તામાં વાહન સામે આવ્યુ તેને કચડીને તે આગળ વધતો રહ્યો હતો.
આ ઘટના આમ તો 28 વર્ષ જૂની છે. આજથી બરાબર 28 વર્ષ પહેલા 17 મેના રોજ સાન ડિયાગો શહેરમાં શોન નેલ્સન નામના વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપ્યોહતો. લગભગ 23 મિનિટ સુધી તેણે ટેન્ક દોડાવીને શહેરના રસ્તાઓ પર આંતક મચાવ્યો હતો. જોકે તેમાં કોઈનો જીવ ગયો નહોતો તે સારૂ હતુ. માત્ર એક મહિલા અને બાળકીને નજીવી ઈજા થઈ હતી. એ પછી પોલીસે આ પૂર્વ સૈનિકને ફાયરિંગમાં ઢાળી દીધો હતો.
શોન નેલ્સન દારૂ, ડ્રગ્સ અને ડિપ્રેશનનો શિકાર બની ગયો હતો અને તેના કારણે તેણે ટેન્ક ચોરીને રસ્તાઓ પર દોડાવવાની હરકત કરી હતી. લોકોને પણ ટેન્ક રસ્તા પર દોડી રહી છે તે જોઈને આંખો પર વિશ્વા નહોતો થતો. શોન નેલ્સન 1980માં આર્મીમાંથી સન્માનજનક રીતે રીટાયર થયો હતો અને એ પછી પ્લમ્બર તરીકેકનુ કામ કરી રહ્યો હતો. જોકે માતા અને પિતાના મૃત્યુ બાદ શોન નેલ્સન નશાની ચૂંગાલમાં સપડાયો હતો અને તેન ગર્લફ્રેન્ડ પણ તેને છોડીને જતી રહી હતી.
1995ના 17 મેના રોજ નેલ્સને આર્મીના શસ્ત્રાગારનો ગેટ ખુલ્લો જોયો હતો અને તે અંદર ઘુસી ગયો હતો. તેણે એમ-60 ટેન્ક પડેલી જોઈ હતી અને તે ટેન્ક ચાલુ કરીને રસ્તા પર નીકળી ગયો હતો.