હુમલા બાદ 'Satanic Verses'ના લેખક સલમાન રશ્દી એક આંખ ગુમાવી દે તેવી શક્યતા
- હુમલાના કારણે રશ્દીના લીવરને પણ નુકસાન પહોંચ્યું છે
નવી દિલ્હી, તા. 13 ઓગષ્ટ 2022, શનિવાર
અમેરિકાના ન્યૂયોર્ક ખાતે શુક્રવારના રોજ પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર એક કાર્યક્રમ દરમિયાન હુમલાની ઘટના બની હતી. આરોપીએ લેખકના ગળા અને પેટના ભાગે છરા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં સલમાન રશ્દી ગંભીર રીતે ઘવાયા છે અને તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પોલીસે આ હુમલામાં સામેલ આરોપીની ઓળખ કરી લીધી છે.
એક આંખ ગુમાવી શકે છે રશ્દી
સલમાન રશ્દી હાલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે અને તેઓ પોતાની એક આંખ ગુમાવી દે તેવી શક્યતા છે. લેખકના એજન્ટ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે રશ્દીના એક હાથની નસો તૂટી ગઈ છે અને તેમના લીવરને પણ નુકસાન પહોંચ્યું છે. સાથે જ તેમની એક આંખ પણ જઈ શકે છે.
એજન્ટ એન્ડ્ર્યુ વાઈલીએ ઈ-મેઈલમાં લખ્યું છે કે, 'ખરાબ સમાચાર છે. સલમાનની એક આંખ ગુમાવવી પડે તેવી શ્કયતા છે. તેમની બાજુની નસો કપાઈ ગી હતી. હુમલાના કારણે તેમના લીવરને પણ નુકસાન પહોંચ્યું છે.'
આ પણ વાંચોઃ હુમલાખોરે રશ્દી પર 20 સેકન્ડમાં 10-15 પ્રહારો કર્યા હતા
જાણો કોણ છે આરોપી
ન્યૂયોર્ક સ્ટેટ પોલીસના કહેવા પ્રમાણે આરોપી ન્યૂ જર્સીનો રહેવાસી છે અને તેનું નામ હાદી મટર છે. જોકે શા કારણે હુમલો કરવામાં આવ્યો તે હજુ અસ્પષ્ટ છે. તેણે ચપ્પા વડે અનેક વખત રશ્દી પર પ્રહારો કર્યા હતા. તે દરમિયાન ઈન્ટરવ્યુ લેનારા વ્યક્તિને પણ માથાના ભાગે ઈજા પહોંચી હતી.
રશ્દી પરના હુમલા બાદ દર્શકો સ્ટેજ પર ધસી ગયા હતા અને તેમણે શકમંદ હુમલાખોરને નીચે ઉતાર્યો હતો. ત્યાર બાદ ત્યાં ઉપસ્થિત સૈનિકે તેની ધરપકડ કરી હતી. હુમલા બાદ રશ્દીને તાત્કાલિક એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં તેમની ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી.