અમારો કોઈ હાથ નથી, સલમાન રશ્દી અને તેમના સમર્થકો જ હુમલા માટે જવાબદાર : ઈરાને હાથ ખંખેર્યા
નવી દિલ્હી, તા. 15 ઓગષ્ટ 2022, સોમવાર
ભારતીય મૂળના અંગ્રેજી લેખક સલમાન રશ્દી પર ન્યૂયોર્ક ખાતેના એક કાર્યક્રમ દરમિયાન બે દિવસ અગાઉ હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ સ્ટેજ પર હતા ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. રશ્દી પર હુમલો કરનાર વ્યકતિની ધરપકડ કરવામાં આવી હતી.
આ સમગ્ર પ્રકરણમાં ઈરાને હવે હાથ ખંખેર્યા છે. ઈરાનના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ સોમવારે લેખક સલમાન રશ્દી પર હુમલામાં તેહરાનનો હાથ હોવાનો ઈન્કાર કર્યો હતો. ધ સેટેનિક વર્સિસના લેખક રશ્દી પર શુક્રવારના હુમલા બાદ ઈરાનનું આ પ્રથમ જાહેર નિવેદન છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસેર કાનનીએ કહ્યું કે "અમને નથી લાગતું કે અમેરિકામાં સલમાન રશ્દી પર હુમલા માટે રશ્દી અને તેમના સમર્થકો સિવાય અન્ય કોઈને જવાબદાર ગણવામાં આવે."
શુક્રવારે ન્યૂયોર્કમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન 75 વર્ષીય રશ્દી પર ન્યુ જર્સીના 24 વર્ષીય વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો. અમેરિકી અધિકારીઓએ તેને "ટાર્ગેટ્ડ, ઉશ્કેરણી વગરનો અને ષડયંત્ર" હેઠળ હુમલો કરવામાં આવ્યો હતો. યુએસ સ્ટેટ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને દાવો કર્યો હતો કે ઈરાનની સરકારી સંસ્થાઓએ ભારતીય મૂળના લેખક વિરુદ્ધ લાંબા સમયથી હિંસા ભડકાવી હતી અને સ્ટેટ મીડિયાએ તેમના પરના તાજેતરના હુમલાની નિંદા પણ કરી નથી.
રશ્દી પર હુમલા બાદ ઈરાનના કેટલાક અખબારોએ આ ઘટનાને અંજામ આપનાર હાદી માતરની પ્રશંસા કરી હતી. જ્યારે આ હુમલાનો શંકાસ્પદ આરોપી હાદી માતર મૂળ લેબનોનનો છે. તેનો પરિવાર દક્ષિણ લેબનોનના યારોન શહેરમાં રહે છે. હાદી માતરના માતા-પિતા લાંબા સમય પહેલા અમેરિકા સ્થળાંતરિત થયા હતા અને માતરનો જન્મ અને ઉછેર અમેરિકામાં થયો હતો.
જો કે, હાદી માતરના પિતા ઘણા વર્ષો પહેલા લેબનોન પરત ફર્યા હતા. ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહનો લેબનોનમાં ઘણો પ્રભાવ છે. જો કે, હિઝબુલ્લાએ પણ સલમાન રશ્દી પર હુમલો કરનાર વ્યક્તિ સાથે કોઈ સંબંધ હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. હિઝબુલ્લાહના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તેમને આ બાબતની કોઈ જાણકારી નથી.
આ પણ વાંંચો : ન્યૂયોર્કમાં ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો