'દેશની સુરક્ષાને નજરઅંદાજ ન કરી શકીએ', ભારત-ચીન સરહદ વિવાદ પર એસ.જયશંકરનું મોટું નિવેદન

Updated: May 14th, 2024


Google NewsGoogle News
'દેશની સુરક્ષાને નજરઅંદાજ ન કરી શકીએ', ભારત-ચીન સરહદ વિવાદ પર એસ.જયશંકરનું મોટું નિવેદન 1 - image


S Jaishankar On China: વિદેશ મંત્રી એસ.જયશંકરે મંગળવારે (14 મે) ચીનની સાથે LAC પર સેનાની તૈનાતીને અસામાન્ય ગણાવી અને કહ્યું કે 'દેશની સુરક્ષાને નજરઅંદાજ ન કરવી જોઈએ.' કોલકાતામાં એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે આ ટિપ્પણી કરી.

ખાનગી ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે, '1962ના યુદ્ધ બાદ રાજીવ ગાંધી 1988માં ચીન ગયા, જે ચીનની સાથે સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું હતું. તે એક સ્પષ્ટ સમજ હતી કે અમે પોતાના બોર્ડર વિવાદો પર ચર્ચા કરીશું, પરંતુ અમે બોર્ડર પર શાંતિ બનાવી રાખીશું. આપણા સંબંધો આગળ પણ યથાવત્ રહેશે.'

શું બોલ્યા વિદેશ મંત્રી એસ.જયશંકર?

એસ.જયશંકરે કહ્યું કે, 'હવે જે બદલાયું છે, તે વર્ષ 2020માં થયું. ચીને કેટલીક સમજૂતીઓનો ભંગ કરતા આપણી બોર્ડર પર મોટી સંખ્યામાં સેનાને તૈનાત કરી અને તેમણે એવા સમયે આ કામ કર્યું જ્યારે આપણે ત્યાં કોરોનાકાળ દરમિયાન લોકડાઉન લાગેલું હતું. જોકે, ભારતે જવાબી કાર્યવાહી કરતા સેનાની તૈનાતી કરી અને હવે સૈનિકોને ગલવાનમાં સામાન્ય બેઝ પોઝીશનથી આગળ તૈનાત કરાયા છે.'

સૈનિકોની તૈનાતી પર વિદેશ મંત્રીએ કહી આ વાત

વિદેશ મંત્રીના અનુસાર, 'એલએસી પર સૈનિકોની આ ખુબ જ અસામાન્ય તૈનાતી છે. ભારતીય નાગરિક તરીકે બંને દેશો વચ્ચે તણાવને જોતા આપણામાંથી કોઈએ પણ દેશની સુરક્ષાને નજરઅંદાજ ન કરવી જોઈએ, આજે આ એક પડકાર છે. ચીન સાથે થોડા મુદ્દાઓનું સમાધાન દ્વિપક્ષીય સંબંધોની વાપસી અને બોર્ડરની શાંતિ પર નિર્ભર છે.'


Google NewsGoogle News