‘ચીને LAC પર મોટી સંખ્યામાં સૈનિકો મોકલ્યા તો ભારતે પણ...’ ડ્રેગન સાથેના સંબંધો અંગે વિદેશ મંત્રીનું મોટું નિવેદન

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
‘ચીને LAC પર મોટી સંખ્યામાં સૈનિકો મોકલ્યા તો ભારતે પણ...’ ડ્રેગન સાથેના સંબંધો અંગે વિદેશ મંત્રીનું મોટું નિવેદન 1 - image

Foreign Minister S. Jaishankar On China : વિદેશ મંત્રી એસ. જયશંકરે પૂર્વ લદ્દાખમાં ભારત-ચીન સરહદ વિવાદને લઈને મોટા સમાચાર આપ્યા છે. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, 'ચીન સાથે સૈનિકોની વાપસીને સંબંધિત લગભગ 75 ટકા સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે. જો કે, બંને દેશોએ હજુ પણ ઘણું કામ કરવાનું બાકી છે.'

ભૂતકાળમાં અમારા વચ્ચેના સંબંધો સરળ રહ્યા નથી

ભારત-ચીન સંબંધને લઈને જયશંકરે કહ્યું હતું કે, 'ભૂતકાળમાં અમારા વચ્ચેના સંબંધો સરળ રહ્યા નથી. 2020માં જે કઈ પણ ચીને કર્યું, તે અનેક આંતરરાષ્ટ્રીય સમજૂતીઓનું ઉલ્લંઘન હતું, ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા(LAC) પર મોટી સંખ્યામાં સૈનિકો મોકલ્યા હતા. અમે જવાબમાં અમારા સૈનિકોને ઉપર મોકલ્યા હતા. ચીન સાથે સરહદ વિવાદને લઈને થયેલા વાટાઘાટોમાં થોડી પ્રગતિ થઇ છે.'  

સરહદ વિવાદ પર લગભગ 75 ટકા મુદ્દાઓ ઉકેલાઈ ગયા

ગુરુવારે જિનીવા સેન્ટર ફોર સિક્યોરિટી પોલિસી ખાતે રાજદૂત જીન-ડેવિડ લેવિટ સાથેની વાતચીત દરમિયાન વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, પૂર્વી લદ્દાખમાં સરહદ મુદ્દે સૈનિકોને પાછા ખેંચવા સંબંધિત લગભગ 75 ટકા મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે, પરંતુ સરહદ પર વધતા જતા લશ્કરીકરણ એ એક મોટો મુદો છે. જો સૈનિકો પાછા ખેંચવાને લઈને કોઈ સમાધાન થઇ શકે અને બંને દેશો વચ્ચે શાંતિ અને સ્થિરતા સ્થપાય છે તો અમે અન્ય સંભાવનાઓ પર વિચાર કરી શકીએ છીએ. ભૂતકાળમાં બંને દેશો વચ્ચે મુશ્કેલીભાર્યા સંબંધો રહ્યા છે. સરહદ પર થયેલી હિંસા દેશો વચ્ચેના બાકીના સંબંધોને પણ પ્રભાવિત કરે છે

આર્થિક સંબંધો 'અયોગ્ય અને અસંતુલિત'

તેમણે વધુમાં કહ્યું કે, ભારતના ચીન સાથેના આર્થિક સંબંધો 'અયોગ્ય અને અસંતુલિત' રહ્યા છે. અને આ સંબંધો ખૂબ જ જટિલ રહ્યા છે, ઇતિહાસમાં સંબંધોનો ખરાબ સમય પણ રહ્યો છે. બંને સંબંધોને ફરીથી સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને બંને એકમાત્ર એવા દેશો છે કે જેની વસ્તી એક અબજથી પણ વધુ છે, સામાન્ય રીતે એવું બને છે કે જ્યારે કોઈ દેશ પ્રગતિ કરતો હોય છે, ત્યારે તેની અસર તેના પડોશ પર પડે છે. આ બંને દેશોને એકબીજાના પડોશી તરીકેનું સન્માન પણ મળેલું છે.'

અમારી પાસે તેમના માર્કેટની પહોંચ નથી!

બીજા અન્ય મુદાઓને લઈને વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, સરહદી મુદ્દાઓ સિવાય બંને દેશો ટેકનોલોજી, ટેલિકોમ અને ડિજિટલ સહિતના અન્ય ક્ષેત્રોમાં પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અમે વેપારના મુદાના લઈને લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છીએ, ચીન સાથેના અમારા આર્થિક સંબંધો ખૂબ જ અસંતુલિત છે. અમારી પાસે તેમના માર્કેટની પહોંચ નથી, પરંતુ તેમની પાસે ભારતમાં ઘણી સારી માર્કેટમાં પહોંચ છે, આજે ટેક્નોલોજી, ટેલિકોમ અને ડિજિટલ જેવા ક્ષેત્રોમાં અમારી ઘણી ચિંતાઓ છે.

સરહદી વિસ્તારોમાં  શાંતિ જાળવી રાખવાનો નિર્ણય 

તમને જણાવી દઈએ કે 29 ઓગસ્ટના રોજ ભારત અને ચીને વચ્ચે બેઇજિંગમાં 31મી WMCC(Working Mechanism for Consultation and Coordination on India–China Border Affairs) બેઠક યોજાઈ હતી. બંને દેશોએ સંબંધિત દ્વિપક્ષીય કરારો અને પ્રોટોકોલ અનુસાર સરહદી વિસ્તારોમાં જમીન પર શાંતિ જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને પક્ષોએ LAC સાથેની પરિસ્થિતિ પર 'સ્પષ્ટ, રચનાત્મક, દૂરદર્શી' મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું હતું. અને રાજદ્વારી અને લશ્કરી ચેનલો દ્વારા સંપર્કો વધારવા માટે પણ સંમત થયા હતા.

જર્મની અને સાઉદી અરેબિયા બાદ એસ. જયશંકર સ્વિટ્ઝર્લેન્ડ પહોંચ્યા 

જર્મની અને સાઉદી અરેબિયાની મુલાકાત લીધા બાદ વિદેશ મંત્રી એસ. જયશંકર 12 સપ્ટેમ્બરે સ્વિટ્ઝર્લેન્ડ પહોંચ્યા હતા. આ પહેલા બુધવારે તેમણે બર્લિનમાં જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરી હતી.

‘ચીને LAC પર મોટી સંખ્યામાં સૈનિકો મોકલ્યા તો ભારતે પણ...’ ડ્રેગન સાથેના સંબંધો અંગે વિદેશ મંત્રીનું મોટું નિવેદન 2 - image


Google NewsGoogle News