રશિયા અંગે જયશંકરે આપ્યો એવો 'સ્માર્ટ' જવાબ જેને સાંભળી અમેરિકી વિદેશમંત્રી પણ હસી પડ્યાં

- અલગ-અલગ વસ્તુઓ માટે દેશને અલગ-અલગ મિત્રોની જરૂર હોય છે: જયશંકર

Updated: Feb 18th, 2024


Google NewsGoogle News
રશિયા અંગે જયશંકરે આપ્યો એવો 'સ્માર્ટ' જવાબ જેને સાંભળી અમેરિકી વિદેશમંત્રી પણ હસી પડ્યાં 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 18 ફેબ્રુઆરી 2024, રવિવાર

મ્યુનિખ સિક્યોરિટી કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરને જ્યારે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એવો 'સ્માર્ટ' જવાબ આપ્યો કે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન પણ હસી પડ્યા હતા. એન્ટની બ્લિંકન અને જયશંકર બંને એક કાર્યક્રમમાં હાજર હતા અને હોસ્ટ તેમને સવાલો પૂછી રહ્યા હતા. તેમના એક સવાલ પર જયશંકરે કહ્યું કે, જો અમે એટલા સ્માર્ટ છીએ કે આપણી પાસે ઘણા વિકલ્પો છે તો ચિંતા કરવાની શું વાત છે. આ અંગે તો તમારે અમારી પ્રશંસા કરવી જોઈએ.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના મુદ્દે હોસ્ટે એસ જયશંકરને કહ્યું કે, એવું લાગે છે કે ભારતની વિદેશ નીતિ હવે 'નોન અલાઈનમેન્ટ થી ઓલ અલાઈનમેન્ટ તરફ શિફ્ટ થઈ ગઈ છે. તેલ ખરીદવા મામલે ભારતે અમેરિકાની વાત ન માની અને રશિયા સાથે સતત વ્યાપારી સંબંધો બનાવી રાખ્યા છે. તેના પર જયશંકરે કહ્યું કે, શું આ કોઈ સમસ્યા છે? અંતે આ સમસ્યા શા માટે હોવી જોઈએ? જો અમે સમાર્ટ છીએ અને અમારી પાસે ઘણા વિકલ્પો છે. તમારે તો અમારા વખાણ કરવા જોઈએ.  અન્ય લોકો માટે પણ આ સમસ્યા નથી. હું કહેવા માંગુ છું કે એક દેશ પર ઘણા દબાણ હોય છે. કોઈપણ દેશ સાથે પરિમાણીય સંબંધો બાંધવા ખૂબ મુશ્કેલ છે. 

જ્યારે મોડરેટરે એસ જયશંકરને યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પણ તેલની ખરીદી ચાલુ રાખવા વિશે સવાલ કર્યો ત્યારે એન્ટની બ્લિંકન હસી રહ્યા હતા. જયશંકરે જવાબ આપતા કહ્યું કે, હું નથી ઇચ્છતો કે તમે એવી છાપ છોડો કે અમે કોઈ સેન્ટિમેન્ટ પર ધ્યાન આપ્યા વિના જ શિફ્ટ કરી જઈએ છીએ. આવું બિલકુલ નથી. અમે પણ કેટલીક બાબતોમાં વિશ્વાસ રાખીએ છીએ. અમે લોકોને સાથે લઈને ચાલીએ છીએ. કેટલીક બાબતો શેર કરીએ છીએ. પરંતુ દરેક જગ્યાએ બાબતો એક સરખી નથી હોતી.

તેમણે કહ્યું કે, દરેક સંબંધ પાછળ એક ઈતિહાસ હોય છે. જેમ કે અમેરિકા અને જર્મની વચ્ચેના સંબંધોનો એક ઈતિહાસ છે. બીજી તરફ અલગ-અલગ વસ્તુઓ માટે દેશને અલગ-અલગ મિત્રોની જરૂર હોય છે. તેમણે કહ્યું કે જીવન ખૂબ જટિલ છે. સારા સાથીઓ તમને વિકલ્પો આપે છે અને સ્માર્ટ સાથીઓ તેમાંથી કેટલાકને લઈ લે છે. વિદેશ મંત્રી 69મી મ્યુનિખ સિક્યોરિટી કોન્ફરન્સમાં ભાગ લેવા માટે જર્મની પહોંચ્યા છે.


Google NewsGoogle News