'એક દિવસ તો વાતચીત માટે તૈયાર થવું જ પડશે...', રશિયા-યુક્રેન યુદ્ધ પર બોલ્યા જયશંકર
Ukraine - Russia Conflict : વિદેશ મંત્રી એસ.જયશંકરે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને કહ્યું કે, 'યુદ્ધના મેદાનમાં સમાધાન નહીં નીકળે અને કોઈને કોઈ દિવસ બંને દેશોએ બેસીને વાતચીત કરવી જ પડશે. જેટલું જલ્દી થઈ શકે એટલું સારું છે, કારણ કે આ સંઘર્ષની અસર દુનિયાના બીજા ભાગોમાં પણ થઈ રહી છે.'
'બે સંઘર્ષથી ભારે પ્રેશરમાં આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા'
એસ. જયશંકર હજુ 24 થી 26 નવેમ્બર સુધી ઈટલીના પ્રવાસે છે. જ્યાં તેઓ જી-7 દેશોના વિદેશમંત્રીઓના આઉટલુક સત્રમાં ભાગ લઈ રહ્યા છે. ઈટલના સમાચાર પત્ર 'કોરિયરે ડેલા સેરા'ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં વિદેશ મંત્રીએ કહ્યું કે, 'આપણી સામે આજે બે મોટા સંઘર્ષ છે અને તેનાથી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને ભારે પ્રેશર છે. આપણે મૂકદર્શક બનીને ન બેસી શકીએ. બંને સંઘર્ષો દેશોને પહેલ કરવી જોઈએ અને સમાધાનનો પ્રયાસ કરવો જોઈએ, ભલે તે કેટલું પણ કઠિન કેમ ના હોય.'
'સંઘર્ષ ખતમ કરવા માટે કૂટનીતિની જરૂર'
રશિયા-યુક્રેન સંઘર્ષ પર જયશંકરે કહ્યું કે, 'ભારતનું હંમેશા માનવું છે કે આ યુદ્ધને ખતમ કરવા માટે કૂટનીતિની જરૂર છે અને તે અમે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. રશિયા-યુક્રેન યુદ્ધ 24 ફેબ્રુઆરીએ શરૂ થયું હતું અને 19 નવેમ્બરે આ પોતાના 1000માં દિવસમાં પ્રવેશ કરી ચૂક્યું છે.'
જયશંકરે કહ્યું કે, 'તમે યુદ્ધ ક્ષેત્રમાં કોઈ સમાધાન ન મેળવી શકો. તમારે મોસ્કો અને કીવ બંને સાથે વાતચીત કરવી પડશે. આપણે વાતચીત શરૂ કરાવવી પડશે. કોઈને કોઈ દિવસે બંને દેશ વાતચીત માટે આવશે. જેટલું બની શકે તેઓ જલ્દી તેને કરશે તો સારું રહેશે, કારણ કે દુનિયા તેનાથી અસરગ્રસ્ત થઈ રહી છે. બંને દેશોએ વાતચીના મંચ પર આવવું જોઈએ જેથી કંઈક થઈ શકે.'