ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા પુતિનને કેમ ફોન કર્યો? વોલોદીમીર ઝેલેંસ્કી થયા નારાજ
યુક્રેન અને રશિયા વચ્ચેનું યુધ્ધ હજુ પણ અટકવાનું નામ લેતું નથી. રશિયાએ ચેનોર્બિલ અણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો કરવાનો દાવો કરતા યુધ્ધની સંવેદનશીલતા વધી રહી છે. અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ યુક્રેન પર પૂરોગામી પ્રમુખ જો બાયડન જેટલા મહેરબાન થાય તેવા નથી તેની યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદીમીર ઝેલેંસ્કીને પણ ખાતરી થઇ ગઇ છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાની સાથે પહેલા વાત કરવાના સ્થાને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી તેની નારાજગી દર્શાવતા જણાવ્યું હતું કે આ અમને સારું લાગ્યું નથી. ઝેલેંસ્કીએ આ અંગે ચિંતા પ્રગટ કરતા જણાવ્યું હતું કે રશિયા યુક્રેન સાથેનું યુધ્ધ સમાપ્ત કરવા માટે સીધું અમેરિકા સાથે સૌદાબાજી કરવાનો પ્રયાસ કરી રહયું છે. બદલાતી પરિસ્થિતિને પુતિનની યોજનાઓ અનુસાર ચલાવવા દેવામાં આવશે નહી. અમને જોડવામાં નહી આવ્યા હોય તેવી કોઇ સમજૂતીનો સ્વીકાર કરીશું નહી.
પ્રાપ્ત માહિતી અનુસાર ડૉનાલ્ડ ટ્રમ્પે ટેલિફોનિક વાતચીત કરીને જણાવ્યું હતું કે બંને પક્ષો સાથે યુદ્ધ સમાપ્ત કરવાના ઉદ્દેશથી વાતચીત કરવા પર સંમતિ દર્શાવી છે. યુક્રેન અને રશિયા વચ્ચેનું યુધ્ધ સમાપ્ત કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છુક છે. પુતિન અને ટ્રમ્પ વચ્ચે સાઉદી અરબમાં બેઠક ગોઠવાય તેવી શકયતા છે. જો કે દ્વીપક્ષિય વાતચીતમાં ત્રીજા પક્ષ તરીકે યુક્રેન સાથે અલગથી વાતચીત કરવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.