રશિયાનુ ટેન્શન વધ્યુ, સાઈબેરિયામાં યુક્રેનની જાસૂસી સંસ્થાઓએ રેલવે લાઈન ઉડાવી

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
રશિયાનુ ટેન્શન વધ્યુ, સાઈબેરિયામાં યુક્રેનની જાસૂસી સંસ્થાઓએ રેલવે લાઈન ઉડાવી 1 - image


Image Source: Twitter

કીવ, તા. 3. ડિસેમ્બર, 2023 રવિવાર

યુક્રેન અ્ને રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધને 22 મહિના થઈ ગયા છે પણ યુક્રેન રશિયાને બરાબર ટક્કર આપી રહ્યુ છે.

હવે યુક્રેનની જાસૂસી એજન્સીએ સાઈબેરિયામાં રેલવે લાઈનને વિસ્ફોટકો વડે ઉડાવી દેવાનુ પરાક્રમ કર્યુ છે.આ રેલવે લાઈન સંપૂર્ણપણે તબાહ થઈ ચુકી છે અને તેના કારણે રશિયન સેનાની સપ્લાય લાઈન ખોરવાઈ ગઈ છે.સાઈબેરિયામાં એક સપ્તાહમાં યુક્રેન આ બીજો હુમલો કર્યો છે.જેમાં રશિયન સેનાને ટાર્ગેટ બનાવવામાં આવી છે.

આ હુમલાને રશિયા માટે માથાના દુખાવા તરીકે જોવામાં આવી રહ્યો છે.

કારણકે જો યુક્રેને રશિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ગેરીલા હુમલા કરવાની ક્ષમતા કેળવી લીધી છે તેવુ આ હુમલા બાદ માની લેવામાં આવે તો રશિયા માટે આ બાબત ભારે પરેશાની બની શકે છે.કારણકે રશિયા અને યુક્રેન સરહદથી સાઈબેરિયા ઘણુ દુર છે અને ત્યાં સુધી યુક્રેન હુમલો કરી શકતુ હોય તો પુતિન માટે એક નવુ ટેન્શન ઉભુ થયુ છે.

સૂત્રોના કહેવા પ્રમાણે આ વિસ્ફોટ થયો ત્યારે એ માલગાડી સાઈબેરિયામાં આવેલા એક બ્રિજને પાર કરી રહી હતી અને આ વિસ્તાર મંગોલિયાની બોર્ડર પર છે.

રશિયન ટ્રેનને એક દિવસ પહેલા જ એક સુરંગ પર થયેલા હુમલાના કારણે ટ્રેક બદલવો પડ્યો હતો અને તેના પર પણ હુમલો થયો હતો.

આ વિસ્ફોટના કારણે ટ્રેનના એન્જિન અને છ વેગનમાં આગ લાગી ગઈ હતી.આ વિસ્ફોટનુ કારણ રશિયન સરકારે હજી સુધી જાહેર કર્યુ નથી પણ યુક્રેનનો દાવો છે કે, યુક્રેનની જાસૂસી સંસ્થાએ આ ઓપરેશન પાર પાડ્યુ હતુ.

રશિયન રેલવેએ આ ઘટના પર કોઈ ટિપ્પણી કરી નથી અને કહ્યુ છે કે, નવા રુટ પર રેલવે વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.પણ રશિયાના એક અખબારે પ્રકાશિત કરેલા અહેવાલમાં કહ્યુ હતુ કે, રશિયન ટ્રેનને આતંકી કૃત્યમાં ઉડાવી દેવાઈ છે.


Google NewsGoogle News