રશિયાનો યુક્રેનના પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો, ન્યૂક્લીયર એજન્સી એલર્ટ
- રશિયન ડ્રોને પ્લાન્ટનું શીલ્ડ તોડયું : યુક્રેને વીડિયો જાહેર કર્યો
- 1986ના હોનારત જેવી ઘટનાની ભીતિને પગલે યુરોપ સુધી ફફડાટ, જોકે હુમલો ન કર્યો હોવાનો રશિયાનો બચાવ
કિવ : રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ ઘાતક બની રહ્યું છે, રશિયાએ હવે યુક્રેનના પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યો છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ પરમાણુ પ્લાન્ટ પર રશિયાના હુમલાનો વીડિયો જાહેર કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે રાત્રીના સમયે રશિયન ડ્રોન કેરનોબી ન્યૂક્લીયર પાવર પ્લાન્ટ પર ધડાકા સાથે અથડાયું હતું. જોકે પ્લાન્ટનો બહારનો હિસ્સો જ ક્ષતિગ્રસ્ત થયો હતો.
યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર જાહેર કરેલા વીડિયોમાં ડ્રેન હુમલા સમયે થયેલો મોટો વિસ્ફોટ ઉપરાંત તેનાથી ન્યૂક્લીયર પાવર પ્લાન્ટમાં પડેલુ મોટુ ગાબડુ પણ દેખાડવામાં આવ્યું છે. વીડિયોમાં પ્લાન્ટનો સળગતો શીલ્ડ અને અંદર થયેલા નુકસાનને પણ દેખાડવામાં આવ્યું છે. આખી રાત રશિયાએ યુક્રેન પર ડ્રોન હુમલા કર્યા હતા જેમાં આ ન્યૂક્લીયર પ્લાન્ટને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. બીજા દિવસે સવારે આ પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી હતી જોકે રેડિએટર લેવલ સ્થિર હોવાનું જણાતા યુક્રેને રાહતનો શ્વાસ લીધો હતો.
યુક્રેનના આ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટના કવરને વર્ષ ૨૦૧૬માં બહુ જ મજબૂતાઇથી બનાવવામાં આવ્યું હતું, ૧૯૮૬માં આ જ ન્યૂક્લિયર પ્લાન્ટમાં મોટી હોનારત સર્જાઇ હતી જેની અસર સમગ્ર યુરોપ પર જોવા મળી હતી, આશરે ૭૦ હજાર જેટલા લોકોને તાત્કાલીક સુરક્ષિત સ્થળે ખસેડવા પડયા હતા. યુક્રેન પાસે ચાર ન્યૂક્લિયર પ્લાન્ટ છે જેમાંથી એક પર રશિયાએ કબજો કરી લીધો છે.
રશિયાના આ હુમલાને પગલે સમગ્ર વિશ્વમાં પરમાણુ સુરક્ષા પર નજર રાખી રહેલી ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ કહ્યું હતું કે અમે હાલ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને હાઇ એલર્ટ પર છીએ. બીજી તરફ રશિયાએ દાવો કર્યો હતો કે અમે યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટ પર કોઇ જ હુમલો નથી કર્યો. અમારુ સૈન્ય ક્યારેય ન્યૂક્લિયર પ્લાન્ટ પર હુમલો નહીં કરે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધ ખતમ કરવા માટે વાટાઘાટોની દિશામાં વાતચીત ચાલી રહી છે, આ પ્રયાસો પર પાણી ફેરવવા યુક્રેન આ દાવા કરવા લાગ્યું છે.