રશિયાનો યુક્રેનની રાજધાની કીવ પર ડ્રોન એટેક, ડ્રોન્સ હવામાં જ નષ્ટ કરવાનો યુક્રેનનો દાવો
મીડિયા રિપોર્ટસ અનુસાર કીવ હુમલામાં ૨૩ લોકો ઘાયલ થયા હતા
રશિયાના કીવ ઉપરાંત ઓડેસા અને ખારર્કિવ ઉપર તાબડતોબ ડ્રોન હુમલા
કીવ,૨૬ નવેમ્બર,૨૦૨૪,મંગળવાર
રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઇ છેલ્લા કેટલાક સમયથી તેજ બની છે. રશિયાએ યુક્રેનની અભેદ ગણાતી રાજધાની કીવ પર મોટા પાયે ડ્રોન હુમલા કર્યા છે. કીવ શહેરની મેયર વિટાલી કિલટ્સ્કોએ મંગળવારે સવારે ટીવી ચેનલોને આ અંગેની જાણકારી આપી હતી કે કીવ પર યુએવી ( માનવ રહિત હવાઇ વાહન)થી હુમલો થયો હતો. હજુ પણ આ પ્રકારના હુમલા ચાલુ જ રહયા છે. અનેક સ્થળોએ વિસ્ફોટકોનો અવાજ આવી રહયો છે. કીવની વાયુ રક્ષા પ્રણાલીએ રશિયાના અનેક ડ્રોન્સને હવામાં જ નષ્ટ કરી દીધા છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર કીવ હુમલામાં ૨૩ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી હોસ્પિટલમાં દાખલ કરાયેલા પાંચની હાલત ખૂબજ ગંભીર છે. રશિયાનો આ હુમલો યુધ્ધને આક્રમક બનાવી શકે તેવો શકિતશાળી માનવામાં આવે છે. અગાઉ યુક્રેનના ખારર્કીવમાં થયેલા હુમલામાં ૧૦ લોકો ઘાયલ થયા હતા. યુક્રેને રશિયાના મોસ્કો તરફ ક્રુઝ મિસાઇલોથી હુમલો કર્યો તે પછી રશિયાએ યુક્રેન તરફ ૭૩ જેટલા ડ્રોનથી હુમલા કર્યા છે. અમેરિકામાં નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચુંટાઇ આવ્યા છે. તેઓ નવા વર્ષ ૨૦૨૫ની ૨૦ જાન્યુઆરીએ પદ સંભાળવાના છે.
ટ્રમ્પે રશિયા-યુક્રેન યુધ્ધ બંધ કરાવવાનું નકકી કર્યુ છે ત્યારે બંને દેશો યુધ્ધમાં નિર્ણાયક સરસાઇ મેળવવાનું વલણ ધરાવે છે. ખાસ કરીને રશિયા યુક્રેન પાસેથી કુર્સ્ક વિસ્તાર પરનો કબ્જો છોડાવવા ઇચ્છે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રશિયાએ યુક્રેનના ઓડેસા શહેર પણ ડ્રોન્સ હુમલો કર્યો છે. આ સાથે જ બ્રિટન સરકારે રશિયાની ટેંકોની શેડો ફલીટ પર કડક પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે. રશિયાની આ ફલીટ તેલ નિકાસ સાથે જોડાયેલી છે. બ્રિટનનો પ્રયાસ રશિયાને આર્થિક રીતે કમજોર કરવાની છે. રશિયાના વધતા જતા ખતરાના પગલે નાટો દેશોએ પોતાનું સંરક્ષણ ખર્ચ વધારવાનું નકકી કર્યુ છે. નાટો દેશો પોતાની કુલ જીડીપીનો ૩ ટકા સૈન્યમાં ખર્ચ કરશે.