રશિયાના યુક્રેન પર ડ્રોન-મિસાઇલ હુમલો : ત્રણનાં મોત, દસ ઘાયલ
- યુક્રેનને ખેદાનમેદાન કરવાના પ્રયત્નો જારી
- મધ્ય યુરોપમાં લેટવિયામાં નાટો દળોએ તંગદિલી વચ્ચે મોટાપાયા પર લશ્કરી કવાયતની તૈયારીઓ આરંભી
કીવ : રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર ડ્રોન અને મિસાઇલો વડે કરેલા હુમલામાં ત્રણના મોત થયા છે અને દસથી વધુ લોકો ઇજા પામ્યા છે. જ્યારે યુક્રેનના વળતા પ્રહારમાં રશિયામાં અનેક ઇન્ડસ્ટ્રીયલ સાઇટ્સમાં ભારે આગ લાગી છે. રશિયાએ શનિવારે વહેલી સવારે ૩૯ શાહેદ ડ્રોન, અન્ય સિમ્યુલેટર ડ્રોન અને ચાર બેલિસ્ટિક મિસાઇલ વડે હુમલો કર્યાનું યુક્રેન એરફોર્સે જણાવ્યું હતું.
યુક્રેનિયન એરફોર્સે બે મિસાઇલ અને ૨૪ ડ્રોન તોડી પાડયાનો દાવો કર્યો છે. આ સિવાય ૧૪ ડ્રોન સિમ્યુલેટર રશિયાએ ગુમાવી દીધા હતા.
કીવ સિટી મિલિટરી એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે રશિયાના હુમલામા ત્રણના મોત થયા હતા અને ત્રણથી વધુને ઇજા થઈ હતી. મૃતકોમાં બે પુરુષ અને એક મહિલા હતી.
યુક્રેનના જનરલ પ્રોસીક્યુટરની ઓફિસે જણાવ્યું હતું કે આ હુમલામાં થયેલા મોતમાં ફૂડ યુનિટ્સ ખાતે એક ગાર્ડના મોતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગલીમાં મિનીબસમાં ફરતા લોકો મૃત્યુ પામ્યા હતા. એપીના પત્રકારોએ એક વ્યક્તિના રીતસરનો કાટમાળની વચ્ચે રક્તરંજિત અવસ્થામાં મૃત્યુ પામેલો જોયો હતો.
આ દરમિયાન વેસ્ટર્ન ડિફેન્સ એલાયન્સના સભ્ય તરીકે સ્વીડને લેટવિયા ખાતે નાટો દળોને બોલાવ્યા હતા. તેમા સ્વીડનની ટુકડી આવી ગઈ છે, આ ઉપરાંત કેનેડાની આગેવાની હેઠળની મલ્ટિનેશનલ બ્રિગેડ તથા નાટોની પૂર્વીપાંખ પણ આવી ગઈ છે.ે
લેટવિયાની પૂર્વમાં રશિયાસાથે અને દક્ષિણપશ્ચિમમાં રશિયાના સહયોગી બેલારુસ સાથે બોર્ડર છે. તેથી રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ છેડયા બાદ લાટવિયા સૌથી તનાવગ્રસ્ત સ્થિતિમાં લાગે છે. તેનું માનવું છે કે યુક્રેનમાં સફળતા મળ્યા પછી રશિયા તેનો ઘડોલાડવો કરશે. સ્વીડન દાયકાઓ સુધી તટસ્થ રહ્યા પછી રશિયાના યુક્રેન પરના આક્રમણના પગલ માર્ચ ૨૦૨૪માં નાટોનો ૩૨મો દેશ બન્યું હતું. આ જ માર્ગે ચાલીને ફિનલેન્ડ પણ ૨૦૨૩માં નાટોનું સભ્ય બન્યું હતું.
યુક્રેનમાં પોલ્ટાવા, સુમી, ખાર્કિવ, ચેરકસી, ચર્નિહિવ, કીવ, ખેમેન્ત્સ્કીઇ ઝિતોમીર, કિરોવોહરાડ, દનિપ્રોપેટ્રોવ્સ્ક, ખેરસન અને ડોનેત્સ્ક પર હુમલા કર્યા હતા.