યુક્રેનના હુમલામાં રશિયાનુ મોટુ એરબેઝ તબાહ, એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તોડી પાડવાનો પણ દાવો
કીવ,તા.19.એપ્રિલ.2024
યુક્રેને ક્રીમિયા દ્વીપકલ્પ પર તૈનાત રશિયન એસ-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમને તોડી પાડવાનો દાવો કર્યો છે. આ એ જ મિસાઈલ સિસ્ટમ છે જેની પાંચ સ્કવોડ્રન ખરીદવા માટે ભારતે રશિયાને 5.43 બિલિયન ડોલરની જંગી રકમ ચૂકવી છે.પશ્ચિમના મીડિયાએ દાવો કર્યો છે કે, ટયુક્રેનની સેનાએ ક્રીમિયાના ઉત્તરી હિસ્સામાં આવેલા રશિયાના દઝાનકોઈ એરબેઝ પર બેલેસ્ટિક મિસાઈલ વડે હુમલો કર્યો હતો અને તેમાં રશિયાની એસ-400 તેમજ એસ-300 એર ડિફેન્સ સિસ્ટમ તબાહ થઈ ગઈ છે.ટ
યુક્રેને પોતાના દાવાના સમર્થનમાં કેટલીક તસવીરો પણ રજૂ કરી છે.જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.આ તસવીરોમાં વેર વિખેર થઈ ચુકેલી એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને જોઈ શકાય છે.યુક્રેનના દાવા પર રશિયાએ હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ હુમલો કરવા માટે રશિયન સેનાએ સ્ટોર્મ શેડો ક્રુઝ મિસાઈલો અને બેલેસ્ટિક મિસાઈલોનો ઉયોગ કર્યો હતો.હુમલાના કારણે એસ-400 સિસ્ટમના ત્રણ લોન્ચ અને એક રડારનો ખાતમો બોલી ગયો હતો.હુમલામાં દઝાનકોઈ રશિયન એરબેઝને પણ ભારે નુકસાન થયુ છે.દઝાનકોઈ એરબેઝ ક્રીમિયા દ્વીપકલ્પ પર રશિયન સેના માટેના સમારકામ અને માલ સામાનની હેરફેર માટેના ઠેકાણા તરીકે બહુ મહત્વનુ છે.
યુક્રેન તેના પર હવાઈ હુમલો કરે તેવા સંજોગોમાં એરબેઝની સુરક્ષા માટે એસ-400 તેમજ એસ-300 એર ડિફેન્સ સિસ્ટમ અહીંયા તૈનાત કરવામાં આવી હતી.યુક્રેને બે તબક્કામાં મિસાઈલ એટેક કર્યો હતો.પહેલા તબક્કામાં મિસાઈલોએ એર ડિફેન્સ સિસ્ટમને ટાર્ગેટ કરી હતી અને તેને નિષ્ક્રિય કરી નાંખ્યા બાદ બીજા તબક્કામાં લોન્ચ કરાયેલી મિસાઈલોએ એરબેઝ પરની સમારકામ માટેની સુવિધાઓને તહસ-નહસ કરી નાંખી હતી.આમ એર ડિફેન્સ સિસ્ટમ યુક્રેનના મિસાઈલોથી એરબેઝને બચાવી શકી નહોતી.
મળતી માહિતી અનુસાર આ હુમલા માટે એક ડઝન કરતા વધારે મિસાઈલો લોન્ચ કરાઈ હતી.હુમલામાં રશિયાના 22 સુરક્ષા કર્મીઓ લાપતા છે.યુક્રેન સમર્થક સોશિયલ મીડિયા એકાઉન્ટે દાવો કર્યો છે કે, '30 રશિયન સૈનિકો માર્યા ગયા છે અને 80 ઘાયલ થયા છે.'
રશિયાના કેટલાક બ્લોગર્સે આશંકા વ્યક્ત કરી છે કે, 'હુમલો કરવા માટે યુક્રેને અમેરિકાએ પૂરી પાડેલી આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે.'