Get The App

VIDEO: દુનિયામાં નવાજૂનીના એંધાણ, ઉ. કોરિયામાં ખુદ કિમ જોંગે કરાવી પુતિનના સ્વાગતની તૈયારી

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
VIDEO: દુનિયામાં નવાજૂનીના એંધાણ, ઉ. કોરિયામાં ખુદ કિમ જોંગે કરાવી પુતિનના સ્વાગતની તૈયારી 1 - image


Image Source: Twitter

Vladimir Putin Visits North Korea: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 24 વર્ષમાં પ્રથમવાર ઉત્તર કોરિયાની મુલાકાતે છે. પુતિન બુધવારે વહેલી સવારે ઉત્તર કોરિયા પહોંચ્યા હતા જ્યાં કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર રિસીવ કર્યા બાદ કિમ ત્યાંથી પુતિન સાથે એ જ ગાડીમાં બેસીને રવાના થયા હતા. પુતિને સમગ્ર વિશ્વને અને ખાસ કરીને પશ્ચિમી દેશોની ઉંઘ ઉડાડતા કહ્યું કે, બંને દેશો અમેરિકન પ્રતિબંધો હટાવવા માટે એકબીજાને સહયોગ કરવા માગે છે.

કિમ જોંગ ઉને પુતિનનું કર્યું સ્વાગત

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને પ્યોંગયાંગ એરપોર્ટ પર પુતિન સાથે મુલાકાત કરી હતી. ઉત્તર કોરિયાની સત્તાવાર ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે તેઓએ હાથ મિલાવ્યા અને ગળે મળ્યા અને પછી કિમ ત્યાંથી પુતિન સાથે કારમાં બેસીને તેમને પ્યોંગયાંગના કુમસુસન સ્ટેટ  ગેસ્ટ હાઉસ સુધી લઈ ગયા હતા. એજન્સીએ તેમની મુલાકાતને એક ઐતિહાસિક ઘટના ગણાવી છે જે બંને દેશોની મિત્રતા અને એકતાની 'અજેયતા અને સ્થાયિત્વ'ને દર્શાવે છે.

રેડ કાર્પેટ પર ઊભા રહીને પુતિનની રાહ જોતા નજર આવ્યા કિમ

ઉત્તર કોરિયા આખી દુનિયાથી અલગ-થલગ રહેનારો દેશ છે જ્યાં પુતિન 24 વર્ષમાં પ્રથમ વખત ગયા છે. વિદેશી નેતાઓ અહીં ભાગ્યે જ જોવા મળે છે. આવી સ્થિતિમાં પુતિનની કોરિયા યાત્રા ખુદ કોરિયા માટે એક મોટો ઈવેન્ટ હતો જેના માટે જોરશોરથી તૈયારી કરવામાં આવી હતી. 

એક વીડિયો સામે આવ્યો છે જેમાં એરપોર્ટ પર મોટા-મોટા રેડ કાર્પેટ પાથરવામાં આવી રહ્યા છે. કિમ રેડ કાર્પેટ પર ઊભા રહીને પુતિનની રાહ જોતા નજર આવી રહ્યા છે. જેવા પુતિન પોતાના વિમાનની સીડીઓથી નીચે ઉતરે છે કે, કિમ આગળ વધીને તેમની સાથે મિલાવે છે અને પછી બંને નેતા ખૂબ જ ઉષ્માભરી રીતે એકબીજાને ગળે મળે છે. 

પુતિન 24 વર્ષમાં પ્રથમવાર ઉત્તર કોરિયાની મુલાકાતે

અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે, પુતિન અને કિમનો કાફલો મોટી સંખ્યામાં બાઈક પર સવાર સુરક્ષા દળોની વચ્ચેથી આગળ વધી રહ્યો છે. ગગનચુંબી ઈમારતો વચ્ચે પહોળા રસ્તા પરથી પસાર થઈ રહેલા કાફલાનો આ વીડિયો વહેલી સવારનો નજર આવી રહ્યો છે.

પુતિન 24 વર્ષોમાં ઉત્તર કોરિયાના પ્રથમ પ્રવાસ પર છે. કિમ સાથે મુલાકાત બાદ પુતિને કહ્યું કે, ઉત્તર કોરિયાએ યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહીનું સમર્થન કર્યું છે તેની હું પ્રશંસા કરું છું. રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યું હતું.

પુતિને કહ્યું કે, બંને દેશો ન્યાય, સાર્વભૌમત્વ માટે પરસ્પર સન્માન અને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાની સ્થાપનામાં અવરોધ લાવવાના પશ્ચિમી પ્રયાસોનો મજબૂતીથી વિરોધ કરવાનું ચાલુ રાખશે.

પુતિનનો ઉત્તર કોરિયાનો પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે કોરિયા યુક્રેનમાં રશિયાને યુદ્ધ ચાલુ રાખવા માટે જરૂરી હથિયારો આપી રહ્યું છે. તેના બદલામાં રશિયા તેને આર્થિક સહાયતા અને ટેક્નોલોજી ટ્રાન્સફર કરી રહ્યું છે, જેને લઈને ડર છે કે, કિમ તેનો પોતાના પરમાણુ કાર્યક્રમમાં ઉપયોગ કરી શકે છે. 

અમે રશિયાના રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ

એક અહેવાલ પ્રમાણે ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં રસ્તાને પુતિનની તસવીરો અને રશિયન ધ્વજથી સજાવવામાં આવ્યા હતા. એક ઈમારત પર લાગેલા બેનરમાં લખવામાં આવ્યું હતું કે, અમે શિયાના રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ. 

પુતિને ઉત્તર કોરિયામાં એમ પણ કહ્યું કે રશિયા અને ઉત્તર કોરિયા પશ્ચિમી દેશો દ્વારા નિયંત્રિત નથી અને આ દેશો એક વ્યાપાર અને પેમેન્ટ સિસ્ટમ બનાવશે જે સાથે મળીને દેશો સામેના પ્રતિબંધોને તોડી નાખશે. તેમણે કોરિયા અને રશિયા પર લાદવામાં આવેલા પશ્ચિમી પ્રતિબંધોને ગેરકાયદેસર અને એકપક્ષીય પ્રતિબંધો ગણાવ્યા છે.

રશિયા અને ઉત્તર કોરિયા બંને દેશો પશ્ચિમી પ્રતિબંધનો સામનો કરી રહ્યા છે

ઉત્તર કોરિયા પર પરમાણુ હથિયારો અને મિસાઈલ કાર્યક્રમોના કારણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ભારે આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. બીજી તરફ યુક્રેન પર હુમલાના કારણે રશિયા પર અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ કડક પ્રતિબંધો લગાવ્યા છે. 

પુતિને કહ્યું કે બંને દેશો પ્રવાસન, સંસ્કૃતિ અને શિક્ષણ ક્ષેત્રે પણ સહયોગ વધારશે.

મુલાકાત દરમિયાન અનેક દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવશે

તેમના વિદેશ નીતિ સલાહકાર યુરી ઉશાકોવે જણાવ્યું કે, પુતિનની સાથે નાયબ વડા પ્રધાન ડેનિસ મન્ટરુરોવ, રક્ષામંત્રી આન્દ્રેઈ બેલોસોવ અને વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ સહિત ઘણા ટોચના અધિકારીઓ પણ ઉત્તર કોરિયાના પ્રવાસ પર છે. તેમણે કહ્યું કે મુલાકાત દરમિયાન અનેક દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવશે, જેમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અંગેનો કરાર પણ સામેલ હોઈ શકે છે.

અમેરિકન અને દક્ષિણ કોરિયાના અધિકારીઓનું કહેવું છે કે, વર્ષ 2019માં પુતિન અને કિમની રશિયામાં પહેલી મુલાકાત બાદથી જ બંને દેશો વચ્ચે સૈન્ય અને આર્થિક સંબંધો ઝડપથી વધ્યા છે. અમેરિકા અને દક્ષિણ કોરિયા આરોપ લગાવી રહ્યાં છે કે, ઉત્તર કોરિયા રશિયાને યુક્રેનમાં ઉપયોગ કરવા માટે હથિયાર અને દારૂગોળો પૂરો પાડી રહ્યું છે. પરંતુ રશિયા અને ઉત્તર કોરિયા બંને આ આરોપોને નકારી રહ્યાં છે.



Google NewsGoogle News