પુતિનના હાથ-પગ કેમ ધ્રૂજી રહ્યા હતા? ઈન્ટરવ્યૂ વચ્ચે થયા અસહજ, સ્વાસ્થ્ય અંગે અટકળો તેજ!
- આ ઈન્ટરવ્યૂ દરમિયાન પુતિને બોરિસ જોનસનને કઠપૂતળી કહીને તેમની મજાક ઉડાવી
Image Source: Twitter
મોસ્કો, તા. 10 ફેબ્રુઆરી 2024, શનિવાર
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે યુદ્ધ બાદ પ્રથમ વખત ઈન્ટરવ્યૂમાં સામેલ થયા હતા. વૈશ્વિક મીડિયામાં પુતિનના સ્વાસ્થ્ય અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, હવે તાજેતરના એક ઈન્ટરવ્યૂ દરમિયાન પુતિનના પગ ધ્રુજી રહ્યા હતા. પગને નિયંત્રિક કરવા માટે તેઓ વારંવાર હાથનો ઉપયોગ કરી રહ્યા હતા. પુતિન પોતાના પગ પર હાથ મૂકીને ધ્રુજારીને નિયંત્રિત કરી રહ્યા હતા. બે કલાક ચાલેલા ઈન્ટરવ્યૂ દરમિયાન તેમને ખાંસી પણ આવી રહી હતી અને તેઓ ગળુ સાફ કરી રહ્યા હતા.
આ ઉપરાંત પુતિને ઈન્ટરવ્યૂમાં યુક્રેન, પશ્ચિમી દેશ અને બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસન વિરુદ્ધ પ્રહાર કરતા નજર આવ્યા હતા. તેમણે ઈન્ટરવ્યૂ દરમિયાન રશિયન વિરોધીઓની ટીકા કરી હતી. જો કે, તેમણે એલોન મસ્કની પ્રશંસા કરી અને તેમને સ્વપ્નદ્રષ્ટા ગણાવ્યા હતા.
પેસકોવે અફવાઓને ખોટી ગણાવી
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ઈન્ટરવ્યૂ બાદથી પુતિનની તબિયત અંગે શંકા વધી ગઈ છે. કેટલાક એક્સપર્ટનું કહેવું છે કે પુતિન કેન્સર અને હૃદય રોગ સહિતની બીમારીઓનો સામનો કરતા હોઈ શકે છે. જો કે, ક્રેમલિન પુતિનના સ્વાસ્થ્યના મુદ્દા અંગે સતત ઈનકાર કરી રહ્યુ છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે સ્વાસ્થ્યની અફવાઓને ખોટી ગણાવીને નકારી કાઢી હતી. પેસકોવે કહ્યું કે પુતિન સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેની તબિયત સારી છે. પુતિનના સ્વાસ્થ્ય વિશે અફવા ફેલાવનારા લોકો તેમની લોકપ્રિયતા અને સિદ્ધિઓની ઈર્ષ્યા કરે છે.
યુક્રેન-પશ્ચિમી દેશો પર સાધ્યુ નિશાન
આ ઈન્ટરવ્યૂમાં પુતિને યુક્રેનને અસ્તિત્વહિન દેશ તરીકે નકારી કાઢ્યો હતો. તેમણે દાવો કર્યો કે, જો પશ્ચિમી દેશો યુક્રેનને હથિયારોની સપ્લાય બંધ કરી દે તો થોડા જ અઠવાડિયામાં યુદ્ધ ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે તેઓ વૈશ્વિક સંઘર્ષથી ડરતા નથી. તેમણે એલોન મસ્કને પ્રતિભાશાળી અને સ્વપ્નદ્રષ્ટા ગણાવ્યા. જોકે, આ દરમિયાન તેમણે બોરિસ જોન્સનને કઠપૂતળી કહીને તેમની મજાક ઉડાવી હતી.