Get The App

રશિયાની મહાદશા બેઠી! યુદ્ધ લંબાવીને પુતિન પસ્તાયા, નાના-નાના દેશો પાસે માગી રહ્યા છે મદદ

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
Vladimir-Putin


Russian-Ukraine War: યુક્રેન-રશિયા યુદ્ધને લગભગ ત્રણ વર્ષ થઈ ગયા છે અને હજુ પણ બંને દેશના એકબીજા પર હુમલા ચાલુ જ છે. તેમજ આ યુધ્ધને લાંબુ ખેંચવાનો આરોપ પણ રશિયા પર છે.  

દરમિયાન, રશિયન મીડિયા અહેવાલો કહે છે કે રશિયાનો ઉડ્ડયન ઉદ્યોગ એક મોટા સંકટમાં ફસાઈ રહ્યો છે. જેમાં 30 રશિયન એરલાઇન કંપનીઓ નાદારીની આરે છે. જે સામુહિક રીતે હાલ 25 ટકા ટ્રાફિકનું સંચાલન કરી રહી છે. પરંતુ વધતા નાણાકીય બોજના કારણે 2025 સુધીમાં નાદાર થઈ શકે છે.

30 રશિયન એરલાઇન કંપનીઓ નાદારીના આરે

નાદારીના આરે પહોંચેલી આ એવિએશન કંપનીઓ નાની અને મધ્યમ કદની છે. આમાંથી મોટાભાગની  કંપનીઓએ બર્મુડા, આયર્લેન્ડ અને યુરોપ પાસેથી રજીસ્ટર્ડ એરક્રાફ્ટ લીઝ લીધેલા છે. 

યુએસ અને અન્ય પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે, આ એરલાઇન્સને જાળવણી સેવાઓ માટે ઈરાન, તુર્કી અને ચીનની કંપનીઓ પર નિર્ભર રહેવું પડ્યું છે. આનાથી તેમનો ખર્ચ પણ વધી ગયો છે.

વધુ મુસાફરો ન મળતા હવે આ કંપનીઓની આવકમાં ઘટાડો થયો છે, જેના કારણે તેમના પર દેવાનો બોજ વધતો જાય છે. જેથી કંપનીઓએ એરક્રાફ્ટ લીઝ પરના હપ્તા ભરવાનું બંધ કરી દીધું છે, જેના કારણે તેમના દેવાનો બોજ વધુ વધી ગયો છે.

એરક્રાફ્ટની જાળવણી ખર્ચ કંપનીઓનો દમ તોડી રહ્યો છે 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે A-320 એરબસ એરક્રાફ્ટની જાળવણી માટે સરેરાશ માસિક US $ 80,000 થી 1,25,000 નો ખર્ચ થાય છે. જે હાલની પરિસ્થિતિમાં એરલાઇન્સ કંપનીઓનો દમ તોડી રહ્યો છે. 

રશિયાએ 12 અબજ ડોલરનું રોકાણ કર્યું છતાં પણ સંકટ યથાવત 

માર્ચ 2022માં યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ એરબસ અને બોઈંગ જેવી પશ્ચિમી એરક્રાફ્ટ ઉત્પાદક કંપનીઓએ એરક્રાફ્ટના સ્પેરપાર્ટ્સ અને અન્ય સહાયની સપ્લાય બંધ કરી દીધી છે. આ નુકસાનને દૂર કરવા માટે, રશિયાએ ઉડ્ડયન ક્ષેત્રમાં 12 અબજ યુએસ ડોલરનું રોકાણ કર્યું છે, તેમ છતાં સંકટ ટળી શક્યું નથી.

આ પણ વાંચો: ટ્રમ્પની જીત બાદ અમેરિકામાં ગર્ભનિરોધક દવા માટે પડાપડી: વેચાણમાં 1000 ટકાનો વધારો, સ્ટોક ખતમ

રશિયા પર આર્થિક પ્રતિબંધો હોવાથી આવક ઘટી 

યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવી દીધા છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જોકે રાષ્ટ્રપતિ પુતિને આ કંપનીઓને રાહત આપવા માટે કેટલીક લોન માફીની યોજના બનાવી છે.

આ મીડિયા રીપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે જો સરકાર આ એરલાઈન્સ કંપનીઓનું દેવું માફ કરે છે તો પણ આ કંપનીઓએ તે રકમ પર 25 ટકા સુધી ટેક્સ ચૂકવવો પડશે. જેના કારણે કંપનીઓ પર બોજ વધશે. 

આર્થિક સંકટના કારણે નાના પાડોશી દેશો પાસે માંગવી પડે છે મદદ  

આર્થિક સંકટને કારણે પાઈલટથી લઈને અન્ય સ્ટાફ સુધી બધાએ નોકરી છોડી દીધી છે. સ્ટાફની અછતના કારણે માત્ર જુલાઈમાં શેરેમેત્યેવો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 68 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. રશિયા આ સંકટને દૂર કરવા માટે કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સહિત અન્ય મધ્ય એશિયાઈ નાના પાડોશી દેશોની મદદ માંગી રહ્યું છે.  જેથી તેને ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ચલાવવામાં મદદ મળી શકે. રશિયાના પરિવહન મંત્રીએ આ વાતની પુષ્ટિ પણ કરી છે.

રશિયાની મહાદશા બેઠી! યુદ્ધ લંબાવીને પુતિન પસ્તાયા, નાના-નાના દેશો પાસે માગી રહ્યા છે મદદ 2 - image


Google NewsGoogle News