પુતિન-કિમ જોંગ વચ્ચે મહત્ત્વપૂર્ણ કરારથી દુનિયાનું ટેન્શન વધ્યું! યુક્રેન સમર્થક અમેરિકાને લાગશે ઝટકો
Russia-North Korea Treaty: રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમિર પુતિને ઉત્તર કોરિયા સાથે દેશની વ્યૂહાત્મક ભાગીદારી પરના એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. શનિવારે પ્રકાશિત એક આદેશ અનુસાર કરારમાં પરસ્પર સંરક્ષણની જોગવાઈ પણ સામેલ છે. હકીકતમાં, જૂનમાં પ્યોંગયાંગમાં શિખર સંમેલન બાદ પુતિન અને નોર્થ કોરિયાના નેતા કિંમ જોંગ ઉન દ્વારા કરવામાં આવેલા આ કરારમાં સશસ્ત્ર હુમલાની સ્થિતિમાં એકબીજાની મદદ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.
રશિયાએ કરારની કરી પુષ્ટિ
રશિયાના ઉપલા ગૃહે આ અઠવાડિયે કરારની પુષ્ટિ કરી. જોકે, નીચલા ગૃહે ગત મહિને તેનું સમર્થન કર્યું હતું. બંને ગૃહમાં મંજૂરી બાદ હવે આ કરાર કાયદો બની ગયો છે. તેને રશિયાએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કર્યો છે. આ કરાર મોસ્કો અને પ્યોંગયાંગ વચ્ચે ગાઢ સંબંધોને પ્રોત્સાહન આપે છે, કારણ કે રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર પોતાનો પૂર્ણ હુમલો કર્યો હતો.
હુમલાના સ્થળ પર મળ્યા હથિયારના નિશાનઃ યુક્રેન
દક્ષિણ કોરિયા અને પશ્ચિમી દેશોના અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તર કોરિયાએ રશિયાને હથિયાર આપ્યા છે. યુક્રેનના ફોરેન્સિક નિષ્ણાંતોનું કહેવું છે કે, તેઓને રશિયાના હુમલાના સ્થળો પર હથિયારના નિશાન મળ્યાં છે.
આ પણ વાંચોઃ બલૂચ બળવાખોરોએ ક્વેટા રેલવે સ્ટેશન ઉડાવ્યું, 14 સૈનિક સહિત 27નાં મોત
ઉત્તર કોરિયાએ મોકલ્યા સૈનિક
જણાવી દઈએ કે, યુક્રેન રાષ્ટ્ર પ્રમુખ ઝેલેન્સ્કીએ ગુરૂવારે કહ્યું હતું કે, ઉત્તર કોરિયાએ રશિયામાં 11 હજાર સૈનિક મોકલ્યાં છે અને તેમાંથી અમુક રશિયાના દક્ષિણી કુર્સ્ક વિસ્તારમાં સેનાની સાથે યુદ્ધમાં ઘાયલ થયાં છે. જોકે, રશિયાએ ઉત્તર કોરિયાના સૈનિકોની હાજરીની પુષ્ટિ નથી કરી.