યુક્રેનમાં કાફે અને દુકાન પર રશિયાનો મિસાઈલમારો : 50નાં મૃત્યુ

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
યુક્રેનમાં કાફે અને દુકાન પર રશિયાનો મિસાઈલમારો : 50નાં મૃત્યુ 1 - image


યુરોપના ૫૦ નેતાઓએ યુક્રેનને ટેકો આપવા પર ભાર મૂક્યો

પ્રમુખ ઝેલેન્સ્કી ૫૦ યુરોપિયન નેતાઓના શિખર સંમેલનમાં સમર્થન મેળવવા સ્પેનના પ્રવાસે છે ત્યારે હુમલો કરાયો

કિવ: રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને દોઢ વર્ષથી વધુ સમય થઇ ગયો હોવા છતાં સંઘર્ષ બંધ થવાનું નામ લઇ રહ્યું નથી. રશિયાએ આજે કરેલા હુમલામાં છ વર્ષના બાળક સહિત ઓછામાં ઓછા ૪૯ લોકોનાં મોત થયા છે. રશિયાએ યુક્રેનના અનેક વિસ્તારોને નિશાન બનાવી ડ્રોન હુમલા કર્યા છે.

આ હુમલા એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી ૫૦ યુરોપિયન નેતાઓના શિખર સંમેલનમા પશ્ચિમી સહયોગીઓનું સમર્થન મેળવવા માટે  સ્પેનના પ્રવાસે છે.

યુક્રેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર ખાર્કિવના પૂર્વ વિસ્તારમાં એક કરિયાણાની દુકાન અને કેફે પર હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેનના પ્રમુખે જણાવ્યું છે કે આ હુમલો રશિયાની સરહદ પાસે આવેલા યુદ્ધગ્રસ્ત કુપિયાંસ્ક જિલ્લામાં કરવામાં આવ્યો છે. જ્યાં મોસ્કોની સેના ગયા વર્ષે યુક્રેનની સેનાના હાથે ગુમાવેલા વિસ્તાર પર ફરી કબજો મેળવવાના પ્રયત્નો કરી રહી છે.

સ્પેનમાં ૫૦ યુરોપિયન નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લઇ રહેલા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું છે કે રશિયન આતંકને રોકવું ખૂબ જ જરૂરી છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે કરિયાણાની દુકાન પર રોકેટથી હુમલો જાણી જોઇને કરવામાં આવેલું આતંકવાદી હુમલો છે.

ખાર્કીવ ક્ષેત્રના ગવર્નર ઓલેહ સિનેહુબોવે જણાવ્યું છે કે ખાર્કિવના કુપિયાંસ્ક જિલ્લામાં આવેલ હોજા ગામના એક કેફે અને દુકાનને નિશાન બનાવી હુમલો કરવામાં આવ્યો છે. હુમલા સમયે ઘટના સ્થળે અનેક નાગરિકો હાજર હતાં.

બીજી તરફ સ્પેનમાં ૫૦ યુરોપિયન નેતાઓએ યુક્રેનને મદદ કરવા પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે મુશ્કેલ સમયમાં તેઓ યુક્રેનની સાથે છે.


Google NewsGoogle News