ટ્રમ્પની જીત બાદ પણ પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચે વધશે તણાવ? બ્રિટનની પાસે દેખાયા રશિયાના લડાકૂ વિમાન અને યુદ્ધજહાજ
Russian Fighter Jets: ટ્રમ્પની જીત બાદ પણ પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચે તણાવ વધશે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે, કારણ કે, યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બ્રિટને રશિયાને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. બ્રિટને શુક્રવારે દાવો કર્યો હતો કે, તેની હવાઈ સરહદો પાસે એક રશિયન બોમ્બર જોવા મળ્યો હતો. ત્યારબાદ બ્રિટને રોયલ એરફોર્સના બે ટાયફૂન જેટ તહેનાત કર્યા છે. આ સાથે જ જ્યારે રોયલ એર ફોર્સ રશિયાના લડાકૂ વિમાનનો પીછો કરી રહી હતી, ત્યારે રોયલ નેવીએ ઈંગ્લિશ ચેનલ પાસે બે અલગ-અલગ રશિયન નૌકાદળના જહાજની ઓળખ કરી અને તેના પર નજર રાખવા માટે યુદ્ધજહાજો તહેનાત કર્યા છે.
રશિયા એ તાજેતરમાં પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક અને યુરોપની આસપાસ વિશેષ રૂપે ભૂમધ્યસાગર બાલ્ટિક અને ઉત્તર સાગરમાં પોતાની સૈન્ય ગતિવિધિઓને તેજ કરી દીધી છે. બ્રિટનની રોયલ નેવી ઉત્તર સાગર અને ઈંગ્લિશ ચેનલ પર ચાંપતી નજર રાખે છે. તેણે ગુરુવારે એક મોટા રશિયન નૌકાદળના જહાજને જોયું હતું.
બ્રિટનના રક્ષા મંત્રાલયે પૃષ્ટિ કરી છે કે, છેલ્લા ત્રણ મહિનામાં આ બીજી વખત છે જ્યારે રશિયન લડાકૂ વિમાન અને નૌકાદળનું જહાજ બ્રિટનની જળ સીમા અને હવાઈ ક્ષેત્ર પાસે જોવા મળ્યું છે. 'બ્રિટનના સશસ્ત્ર દળોના મંત્રી લ્યૂક પોલાડે કહ્યું કે, અમારા વિરોધીઓને અમારી સંકલ્પ શક્તિ અને યુકેની સુરક્ષા પ્રત્યે અમારી દ્રઢતા પર કોઈ શંકા ન હોવી જોઈએ.'
આ ઘટના એવા સમયે બની છે જ્યારે બ્રિટને તાજેતરમાં જ રશિયાની સૈન્ય ઔદ્યોગિક સંરચના અને રશિયન સમર્થિત ભાડાના સમૂહો વિરુદ્ધ 56 નવા પ્રતિબંધોની જાહેરાત કરી હતી. આ પ્રતિબંધ મેં 2023 બાદ રશિયા પર લગાવવામાં આવેલા સૌથી મોટા પ્રતિબંધોનો હિસ્સો છે. બ્રિટન સરકારના જણાવ્યા પ્રમાણે આ પ્રતિબંધનો ઉદ્દેશ્ય પુતિનના યુદ્ધ મશીન માટે આવશ્યક ઉપકરણોની આપૂર્તિમાં વિધ્ન નાખવાનો અને આફ્રિકામાં રશિયન સમૂહોની ભ્રષ્ટ ગતિવિધિઓને ઉજાગર કરવાનો છે.
બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લેમીએ કહ્યું કે, 'આજનો ઉપાય ક્રેંમલિનની નીતિઓને પાછળ ધકેલવાનું કામ કરશે.' તેમણે એમ પણ કહ્યું કે, પુતિને 1000 દિવસ કરતા વધુ સમયથી એક એવા યુદ્ધમાં લાગેલા છે જેના માટે તેમણે કહ્યું હતું કે, તે થોડા જ દિવસોમાં સમાપ્ત થઈ જશે. તેવો અસફળ થશે અને હું ક્રેમલિન પર દબાણ બનાવી રાખવાની સાથે-સાથે યુક્રેનની જનતાની સ્વતંત્રતાની લડાઈનું સમર્થન કરતો રહીશ.'
સપ્ટેમ્બરમાં બ્રિટન પહેલાં નાટો સદસ્ય બન્યું જેણે યુક્રેનને રશિયન ક્ષેત્રની અંદર બ્રિટિશ ક્રુઝ મિસાઈલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરી. આ મુદ્દે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે વોશિંગ્ટન ડીસી જઈને અમેરિકન પ્રમુખ જો બાઈડેન સાથે મુલાકાત પણ કરી હતી. ત્યારબાદ રશિયાએ પોતાની પરમાણુ નીતિને અપડેટ કરતા પશ્ચિમને ચેતવણી આપી કે, તેઓ પોતાના બચાવ માટે પરમાણુ હથિયારોનો પણ ઉપયોગ કરી શકે છે.