યુક્રેન યુધ્ધનો વિરોધ કરવા બદલ રશિયન મહિલા કલાકારને સાત વર્ષની જેલની સજા
Image Source: Freepik
મોસ્કો,તા.18.નવેમ્બર.2023 શનિવાર
યુક્રેન યુધ્ધનો વિરોધ કરવા બદલ રશિયન મહિલા કલાકારને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
રશિયાના સત્તાધીશોના આરોપ અનુસાર મહિલા કલાકાર એલેક્ઝેન્ડ્રા સ્કોચિલેન્કોએ ગત વર્ષે માર્ચ મહિનામાં રશિયાના સેન્ટ પીટર્સબર્ગ શહેરની એક સુપર માર્કેટમાં પ્રાઈસ ટેગ બદલી નાંખીને તેની જગ્યાએ કાગળના ટુકડાનો ઉપયોગ કર્યો હતો અને કાગળના આ ટુકડા પર સેનાની ખોટી જાણકારીનો ઉલ્લેખ કર્યો હતો.
જોકે મહિલા કલાકારે પોતાના પરના આક્ષેપોને ફગાવી દીધા હતા.આમ છતા તેના પર કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો.એલેક્ઝેન્ડ્રા સ્કોચિલેન્કોએ સુનાવણી દરમિયાન કર્યુ હતુ કે, મેં શાંતિપૂર્ણ રીતે યુક્રેન સામેના યુધ્ધનો વિરોધ કર્યો હતો.
મહિલા કલાકારે સરકારી વકીલ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, વકીલને દેશ અને સમાજ પર બહુ ઓછો વિશ્વાસ છે.તેમને લાગે છે કે, કાગળના એક ટુકડાથી દેશની સુરક્ષા ખતરામાં પડી શકે છે.મને યુક્રેન સામે રશિયાએ આક્રમક વલણ કેમ અપનાવ્યુ છે તે હજી સમજાતુ નથી.
જોકે કોર્ટે એલેક્ઝેન્ડ્રા સ્કોચિલેન્કોના નિવેદન બાદ પણ પોતાના ચુકાદામાં તેને સાત વર્ષની જેલની સજાનો હુકમ કર્યો હતો.
રશિયા અને યુક્રેન વચ્ચે 632 દિવસથી જંગ ચાલી રહ્યો છે અને બંને દેશોમાંથી કોઈની સ્પષ્ટ હાર કે જીત થઈ હોવાનુ લાગી રહ્યુ નથી.જંગમાં યુક્રેનને ભારે નુકસાન વેઠવુ પડ્યુ છે પણ તેણે હજી સુધી હાર નથી માની.