Get The App

રશિયાની કોર્ટે ગુગલને અધધ 20 ડેસિલિયન ડોલરનો દંડ ફટકાર્યો

Updated: Nov 2nd, 2024


Google NewsGoogle News
રશિયાની કોર્ટે ગુગલને અધધ 20 ડેસિલિયન ડોલરનો દંડ ફટકાર્યો 1 - image


- દંડની આ રકમ સમગ્ર વિશ્વના અર્થતંત્ર કરતા પણ અનેકગણી વધારે

- યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા પછી યુટયુબે રશિયાની મીડિયા ચેનલો પર મૂકેલા પ્રતિબંધો બદલ 'આર્થિક' કોરડો વિંઝ્યો

- જો આ ચેનલોને નવ મહિનાના સમયગાળામાં શરૂ કરવામાં નહીં આવે તો દંડની રકમ પ્રતિ દિવસ બેગણી વધતી જશે

- ગુગલની કુલ નેટવર્થ જ બે ટ્રિલિયન ડોલરની છે ત્યારે ગુગલ માટે ૨૦  ડેસિલિયન ડોલરનો દંડ ભરવો શક્ય જ નથી : નિષ્ણાતો

મોસ્કો : રશિયાએ ગુગલ પર એટલી મોટી રકમનો દંડ ફટકાર્યો છે કે આ રકમ ગણતા ગણતા થાકી જવાય. રશિયન કોર્ટે ગુગલ પર ૨૦ ડેસિલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે. આ દંડ રશિયાની મીડિયા ચેનલોને બ્લોક કરવા બદલ ગુગલની મૂળ કંપની આલ્ફાબેટની માલિકીવાળી યુટયુબ પર ફટકારવામાં આવ્યો છે. ૨૦ ડેસિલિયન એટલે ૨ પછી ૩૪ શૂન્ય.

રશિયાનો આરોપ છે કે યુટયુબે યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન તેની મીડિયા ચેનલોેને બ્લોક કરી હતી જે રાષ્ટ્રીય પ્રસારણ નિયમોનો ભંગ છે. હવે પ્રશ્ર એ થાય છે કે શું ગુગલ આ મોટી રકમ ભરી શકશે ?

રશિયન કોર્ટે જેટલી રકમનો દંડ ફટકાર્યો છે તે રકમ એક અંદાજ મુજબ  વિશ્વના અર્થતંત્ર કરતા અનેક ગણી વધારે છે. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે જો આ ચેનલોને નવ મહિનાના સમયગાળામાં બહાલી આપવામાં નહીં આવે તો દંડની રકમ પ્રતિ દિવસ બેગણી વધતી જશે.

ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે અમેરિકાએ રશિયાની અનેક કંપનીઓ પર પ્રતિબંધો મૂક્યા છે. બીજી તરફ રશિયા પણ અમેરિકાની કંપનીઓ પર પ્રતિબંધ મૂકી રહ્યું છે. આ જ ક્રમમાં ગુગલ ઉપર પણ દંડ ફટાકરાવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

માર્ચ ૨૦૨૨માં યુટયુબે આરટી અને સ્પુતનિક સહિત અનેક રશિયન સરકાર સંચાલિત ચેનલો પર વૈશ્વિક પ્રતિબંધની જાહેરાત કરી હતી. પ્લેટફોર્મે હિંસક ઘટનાઓને નકારવા, ઓછી કરવા કે તુચ્છ બતાવનારા કન્ટેન્ટને પ્રતિબંધિત કરવાની પોતાની પોલિસીની તરફ ઇશારો કરીને  પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. 

યુટયુબે યુક્રેન સંઘર્ષની આસપાસ રશિયાના નિવેદનોને સમર્થન કરતી ચેનલોની વિરુદ્ધ એવી નીતિઓ અમલમાં મૂકી છે જે હેઠળ  વૈશ્વિક સ્તરે ૧૦૦૦થી વધુ ચેનલ અને ૧૫૦૦૦થી વધુ વીડિયો હટાવવામાં આવ્યા છે. 

યુરોપમાં સૌથી પહેલા રશિયન મીડિયા ખાતાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ કાર્યવાહી રશિયા પોતાના સરકારી મીડિયા પર સેન્સરશિપ અને દમનના રૂપમાં જુએ છે. 

ઉલ્લેખનીય છે કે ૨૦૨૦ પછીથી ગુગલને સતત દંડનો સામનો કરવો પડી રહ્યો છે. આ અગાઉ રશિયન કોર્ટે ગુગલ પર એક લાખ રૂબલ (૧૦૨૮ ડોલર)નો દૈનિક દંડ ફટકાર્યો હતો. 

રિપોર્ટ અનુસાર ૧૭ રશિયન પ્રસારક કાયદાકીય લડાઇમાં સામેલ થઇ ગયા છે. તેમણે ગુગલની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને પ્લેટફોર્મ પર પોતાની ચેનલો શરૂ કરવાની માંગ કરી છે. ૨૦૨૨ની શરૂઆતમાં યુક્રેન પર રશિયાના હુમલાની શરૂઆત પછી ગુગલે રશિયાની અંદર પોતાની કામગીરી ઓછી કરી છે.


Google NewsGoogle News